લજાઈ-વીરપર વચ્ચેનો ત્રણ કિમીનો પટ્ટો અકસ્માત ઝોન બન્યાનો કોંગ્રેસના ખેડૂત નેતાનો આક્રોશ, ખાડાના કારણે જાનહાનિ થશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી
મોરબી : મોરબી-રાજકોટને જોડતા સ્ટેટ હાઈવેની બિસ્માર હાલતનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. કોંગ્રેસના ખેડૂત નેતા મહેશ રાજકોટિયાએ હાઈવે પર ઠેરઠેર પડેલા ખાડાઓને કારણે વાહનચાલકોના જીવ જોખમમાં મુકાતા હોવાનો આક્ષેપ કરી તાત્કાલિક માર્ગનું સમારકામ કરવાની માંગ કરી છે. સાથે જ ખાડાના કારણે કોઈ જાનહાનિ થશે તો જવાબદાર અધિકારીઓ અને સરકાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ ઉચ્ચારી છે.
મહેશ રાજકોટિયાએ જણાવ્યું હતું કે મોરબી-રાજકોટ સ્ટેટ હાઈવે પર અનેક સ્થળોએ રસ્તો બિસ્માર બની ગયો છે અને ક્યાંય સતત સારો ડામર જોવા મળતો નથી. ખાસ કરીને લજાઈથી વીરપર વચ્ચેનો આશરે ત્રણ કિલોમીટરનો પટ્ટો અત્યંત જોખમી બની ગયો હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં વારંવાર બાઈક સ્લીપ થવાના, વાહનોના ટાયર ફાટવાના તેમજ નાના-મોટા અકસ્માતોના બનાવો બનતા રહે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ માર્ગ પરથી દરરોજ હજારો વિદ્યાર્થીઓ, દર્દીઓ, વેપારીઓ અને ખેડૂતો અવરજવર કરે છે. છતાં માર્ગની મરામત કરવામાં આવતી ન હોવાથી લોકો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે.
મહેશ રાજકોટિયાએ માંગ કરી છે કે સમગ્ર મોરબી-રાજકોટ સ્ટેટ હાઈવેનું સાત દિવસમાં રી-સર્ફેસિંગ શરૂ કરવામાં આવે, લજાઈ-વીરપર સહિતના જોખમી સ્થળોએ તાત્કાલિક પેચવર્ક કરીને વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેમજ માર્ગની બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. તેમણે જણાવ્યું હતું કે જો માર્ગના ખાડાઓના કારણે કોઈ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થશે તો જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી માટે પણ પગલાં ભરવામાં આવશે.