Saturday - Jul 25, 2026

મેઘરાજાની કૃપાથી મોરબી પરથી એક જ ઝાટકે પાણીનું સંકટ દૂર, જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો

મેઘરાજાની કૃપાથી મોરબી પરથી એક જ ઝાટકે પાણીનું સંકટ દૂર, જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો

મચ્છુ 2 ડેમ થતા 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલાયા, 29 ગામોને એલર્ટ કરાયા

ડેમમાં હાલ પાણીની આવક ઘટતા 4 દરવાજા 3 ફૂટ સુધી ખુલ્લા

મોરબી : મેઘરાજાએ મોરબી અને ઉપરવાસમાં અપાર હેત વરસાવતા મોરબી પરથી એક જ ઝાટકે જળ સંકટ દૂર થયો છે. મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ડેમ -2 40 ટકાની આસપાસ ભરેલો હોવાની સ્થિતિ વચ્ચે મેઘરાજાએ એક જ દિવસ પાસું પલટાવીને ડેમનું ચિત્ર ઉજળું કરી દીધું છે. મેઘરાજાની કૃપાથી મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ 100 ટકા ભરાઈને ઓવરફ્લો થઈ ગયો છે. મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ 2 ડેમમાંથી મોરબી શહેર તથા મોરબી અને માળિયા તાલુકા વિસ્તારની અંદર પીવાના પાણીની સપ્લાય કરવામાં આવતી હોય તે આ ડેમમાં 24 કલાકમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ હોવાના કારણે આજે સવારે 6 વાગ્યે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને ડેમના 4 દરવાજાને 7 ફૂટ સુધી ખોલીને 18,578 ક્યુસેક પાણીને નદીમાં છોડવામાં આવી રહ્યું છે જોકે નદીમાં પાણી છોડતા પહેલા સિંચાઈ વિભાગ દ્વારા મોરબી શહેર તથા મોરબી અને માળિયા તાલુકાના 29 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.

મોરબીના મચ્છુ 2 ડેમની ઉપરવાસમાં તેમજ તેના કેચમેટ વિસ્તારની અંદર 24 કલાકમાં પડેલા વરસાદના કારણે ડેમમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક શરૂ થઈ હતી અને ડેમ આજે સવારે 100 ટકા ભરાઈ ગયો છે જેથી સિંચાઈ વિભાગ દ્વારા ડેમના ચાર દરવાજાને સાત ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને 18,578 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું હતું.
 

મેઘરાજાની કૃપાથી મોરબી પરથી એક જ ઝાટકે પાણીનું સંકટ દૂર, જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો

સિંચાઈ વિભાગના અધિકારી પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે શુક્રવારે સવારે 6 વાગ્યે મચ્છુ 2 ડેમની અંદર 1256 એમસીએફટી પાણી હતું એટલે કે આ ડેમ 40 ટકા ભરાયેલો હતો પરંતુ આજે શનિવારે 6 વાગ્યે ડેમ તેની પૂર્ણ સપાટી એટલે કે 3104 એમસીએફટી સુધી સો ટકા ભરાઈ ગયો છે જેથી ડેમના ચાર દરવાજાને સાત ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે જોકે ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને નદીના પટમાં રહેલા ઝૂંપડામાં રહેતા લોકોને ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા. તેમજ નદીના પટમાં કોઈ વ્યક્તિએ અવરજવર કરવી નહીં તેમજ માલધારીઓએ તેના માલ ઢોરને પણ સલામત સ્થળે રાખવા માટે થઈને સૂચના આપવામાં આવી હતી

જ્યારે સિંચાઈ વિભાગ દ્વારા જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર નદી, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, વીરવિદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ અને માળીયા મીયાણાને એલર્ટ કરાયા છે.

સવારે ડેમના દરવાજા 7 ફૂટ સુધી ખોલાયા હતા અને પાણીનો જથ્થો 18578 ક્યુસેક હતો. જ્યારે હવે ડેમમાં પાણીની આવક ઘટતાં 8356 ક્યુસેક થયો છે. આવક ઘટવા છતાં ડેમની જળસપાટી જાળવી રાખવા અને સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા હાલમાં મચ્છુ 2 ડેમના 4 દરવાજા 3 ફૂટ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે.