Saturday - Jul 25, 2026

મોરબીમાં રૂ.4.25 કરોડથી વધુના મોંઘાદાટ વિદેશી શરાબ પર રોલર ફેરવી દેવાયું

મોરબીમાં રૂ.4.25 કરોડથી વધુના મોંઘાદાટ વિદેશી શરાબ પર રોલર ફેરવી દેવાયું

મોરબી : મોરબી જિલ્લામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલા વિદેશી શરાબ જંગી જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. જેમાં અધિકારીઓની હાજરીમાં રૂ.4.25 કરોડથી વધુની કિંમતની વિદેશી દારૂની બોટલો ઉપર રોડરોલર ફેરવી દેવાયું છે.

મોરબી એસ.ડી.એમ. પ્રવિણસિંહ જેતાવતના અધ્યક્ષ સ્થાને, નાયબ પોલીસ અધીક્ષક (વાંકાનેર વિભાગ) એસ.એચ.સારડા, નાયબ પોલીસ અધીક્ષક (મોરબી વિભાગ) જે.એમ.આલ તથા નશાબંધી સબ ઇન્સ્પેકટર એસ.સી.વાળાના સુપરવીઝન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોરબી જિલ્લાનાં મોરબી સીટી એ ડીવીઝન, મોરબી સીટી બી ડીવીઝન, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુન્હાના કામે જપ્ત કરેલ વિદેશી દારૂનો નાશ કરવા અંગે નામદાર કોર્ટ તરફથી મંજુરી મેળવવામાં આવી હતી.

આથી જાંબુડીયા વીડી ખાતે એસ.ડી.એમ., ડી.વાય.એસ.પી., નશાબંધી અધિકારી અને પી.આઇ. સહિતના અધિકારીઓની હાજરીમાં સરકારી પંચો સાથે વિડીયોગ્રાફી કરવામાં આવી હતી.અધિકારીઓની ઉપસ્થિતિમાં રોડ રોલર ફેરવીને વિદેશી દારૂની બોટલ નંગ 90953, જેની કુલ કિંમત રૂપિયા 4,25,05,538 થાય છે, તેનો નાશ કરવામાં આવ્યો હતો.

મોરબીમાં રૂ.4.25 કરોડથી વધુના મોંઘાદાટ વિદેશી શરાબ પર રોલર ફેરવી દેવાયું