હરિનામ સંકીર્તન અને મહાપ્રસાદથી મોરબીવાસીઓ ભક્તિરસમાં થયા લીન.
મોરબી:હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર - મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય અને શ્રદ્ધામય આયોજન કરવામાં આવ્યું હતું. ચાલુ વરસાદે ભગવાન શ્રી જગન્નાથજી રથ પર બિરાજમાન થઈને મોરબીવાસીઓ પર પોતાની કૃપાદ્રષ્ટિ વરસાવી હતી. વરસાદી માહોલ વચ્ચે પણ મોટી સંખ્યામાં ભક્તોએ ઉમટી પડીને રથની દોરી ખેંચી દર્શનનો ધન્ય લ્હાવો લીધો હતો.
આ રથયાત્રામાં ઇસ્કોન અમદાવાદ અને ઇસ્કોન ભુજના પ્રેસિડેન્ટ કલાનાથ ચૈતન્ય પ્રભુજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભક્તો સાથે મહા હરિનામ સંકીર્તન કરાવીને શ્રી જગન્નાથ રથયાત્રાની કથાનું રસપાન કરાવ્યું હતું.
૫૬ ભોગ અને વિપુલ પ્રસાદ વિતરણ: રથયાત્રા દરમિયાન મહાપ્રભુને ૫૬ ભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ૫૦૦ કિલો ગુંદી અને ૨૦૦ કિલો શીરાનો પ્રસાદ સર્વે ભક્તોમાં વહેંચવામાં આવ્યો હતો. અંતમાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો આનંદ માણ્યો હતો.
આ પ્રસંગે મોરબીના ધારાસભ્ય દુર્લભજી દેથારિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ સનાતન પરંપરાને ગામડે-ગામડે સુધી પહોંચાડવા માટે સહયોગી બનવાની ખાતરી આપી હતી.
અંતમાં રથયાત્રાને સફળ બનાવવા બદલ હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર - મોરબી દ્વારા સેવામાં ઉપસ્થિત તમામ સ્વયંસેવકો, પોલીસ કર્મચારીઓ, યુવાશક્તિ ગ્રુપ-મોરબી, તમામ ન્યૂઝ ચેનલો તેમજ આ રથયાત્રાના તમામ પ્રત્યક્ષ અને પરોક્ષ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.