સમયસર હાથ ધરાયેલી કામગીરીથી વૃક્ષોના વિકાસમાં અવરોધ દૂર થયો : સ્થાપક રોહન રાંકજાની નાગરિકોને પર્યાવરણ રક્ષણ માટે જાગૃત બનવાની અપીલ
મોરબી : પર્યાવરણના જતન અને સંવર્ધન માટે સતત કાર્યરત નિર્શિવ ફાઉન્ડેશન દ્વારા જોધપર-રફાળેશ્વર રોડ પર પર્યાવરણ હિતલક્ષી સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી. વૃક્ષોના રક્ષણ માટે વર્ષો પહેલાં લગાવવામાં આવેલા લોખંડના ટ્રી ગાર્ડ સમય જતાં વૃક્ષોના થડ પર સજ્જડ વીંટળાઈ જતાં તેમના સ્વાભાવિક વિકાસમાં અવરોધ સર્જાઈ રહ્યો હતો. આ સ્થિતિને ધ્યાનમાં લઈને ફાઉન્ડેશનની ટીમે વૃક્ષોને ગૂંગળામણમાંથી મુક્ત કરી તેમને નવજીવન આપવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
જોધપર-રફાળેશ્વર રોડ પર વાવવામાં આવેલા વૃક્ષોના રક્ષણ માટે અગાઉ લોખંડના સેફ્ટી પાંજરા (ટ્રી ગાર્ડ) લગાવવામાં આવ્યા હતા. જોકે, સમય જતાં વૃક્ષો મોટા થતાં આ લોખંડના પાંજરા તેમના થડ પર સજ્જડ વીંટળાઈ ગયા હતા. પરિણામે વૃક્ષોના સ્વાભાવિક વિકાસમાં મોટો અવરોધ ઊભો થયો હતો અને વૃક્ષોને નુકસાન પહોંચી રહ્યું હતું.
આ બાબત નિર્શિવ ફાઉન્ડેશનના ધ્યાનમાં આવતા સંસ્થાની ટીમ ગઈકાલે સાંજે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. સંસ્થાના સભ્યોએ જહેમત ઉઠાવી આશરે 20 જેટલા વૃક્ષોના થડ પર વીંટળાયેલા લોખંડના પાંજરા સફળતાપૂર્વક દૂર કર્યા હતા.
નિર્શિવ ફાઉન્ડેશનની સમયસૂચકતા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને કારણે આ 20 વૃક્ષોનો બચાવ થયો છે અને હવે તેમનો વિકાસ કોઈપણ પ્રકારના અવરોધ વિના સ્વાભાવિક રીતે થઈ શકશે.
પર્યાવરણ પ્રેમીઓએ ફાઉન્ડેશનની આ નિઃસ્વાર્થ કામગીરીને બિરદાવી છે. આ પ્રસંગે નિર્શિવ ફાઉન્ડેશનના સ્થાપક રોહન રાંકજાએ નાગરિકોને અપીલ કરી હતી કે, આસપાસ ક્યાંય પણ વૃક્ષોના વિકાસને અવરોધતી કોઈ વસ્તુ નજરે પડે તો પર્યાવરણના રક્ષણ માટે જાગૃત બની આગળ આવી સમયસર યોગ્ય પગલાં લેવા જોઈએ.