Sunday - Sep 27, 2026

મોરબીમાં અંદાજીત 471 જેટલી ગણેશ મૂર્તિઓનું સુરક્ષિત રીતે સામુહિક વિસર્જન

મોરબીમાં અંદાજીત 471 જેટલી ગણેશ મૂર્તિઓનું સુરક્ષિત રીતે સામુહિક વિસર્જન

લીલાપર-ઘૂનડા રોડની પાણી ભરાયેલી ખાણોમાં ચાર સ્થળેથી મૂર્તિઓ એકત્ર કરી ફાયર વિભાગની ટીમે પોલીસના બંદોબસ્ત સાથે વિસર્જન કરતા કોઈ અનિચ્છનીય ઘટના ટળી

મોરબી : મોરબીમાં દસે દસ દિવસ સુધી વિધ્નહર્તાની પૂજા અર્ચના કરીને ગઈકાલે સાંજે તમામ વિસ્તારોમાંથી ઢોલ નગારાના તાલે નાચતા ગાતા ભવ્ય ગણેશ વિસર્જન યાત્રા કાઢીને અગલે બરસ તુમ જલ્દી આનાના નાદ સાથે ગણેશજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી. જો કે ગણેશ વિસર્જન દરમિયાન કોઈ જીવલેણ દુર્ઘટના કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા કરાયેલી વ્યવસ્થાના પગલે મોડી રાત સુધીમાં શહેરની કુલ 471 નાની-મોટી ગણેશ મૂર્તિઓનું સલામત રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ દુર્ઘટના કે અણબનાવ નોંધાયો ન હતો.

મોરબીમાં અંદાજીત 471 જેટલી ગણેશ મૂર્તિઓનું સુરક્ષિત રીતે સામુહિક વિસર્જન

મોરબી નજીક લીલાપર-ઘૂનડા રોડ ઉપર આવેલી પથ્થરની ખાણોમાં વરસાદી પાણી ભરાયેલું હોવાથી ત્યાં ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. મૂર્તિઓના સીધા પાણીમાં વિસર્જન દરમિયાન લોકો પાણીમાં ન ઉતરે અને કોઈ જીવલેણ બનાવ ન બને તે માટે મનપા દ્વારા આ સ્થળે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

શહેરના ચાર અલગ-અલગ સ્થળોએ ભક્તો પાસેથી ગણેશજીની મૂર્તિઓ સ્વીકારવામાં આવી હતી. ત્યારબાદ મનપાના કર્મચારીઓ દ્વારા મૂર્તિઓને વાહનો મારફતે લીલાપર-ઘૂનડા રોડ ખાતેના નિર્ધારિત વિસર્જન સ્થળે પહોંચાડવામાં આવી હતી. અહીં ફાયર વિભાગની ટીમની હાજરીમાં મૂર્તિઓનું સલામત રીતે વિસર્જન કરવામાં આવ્યું હતું.
 

મોરબીમાં અંદાજીત 471 જેટલી ગણેશ મૂર્તિઓનું સુરક્ષિત રીતે સામુહિક વિસર્જન

મોડી રાત સુધીમાં સિદ્ધિવિનાયક કા રાજા, મયુર નગરી કા રાજા સહિત શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવેલી કુલ 471 મૂર્તિઓનું વિસર્જન પૂર્ણ થયું હતું. ગણેશોત્સવની પૂર્ણાહુતિ સાથે ભક્તોએ બાપ્પાને વિદાય આપી હતી.

વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી એ ડિવિઝન, બી ડિવિઝન અને તાલુકા પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મનપા અને પોલીસની વ્યવસ્થાના પગલે વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.