મોરબી : મોરબી - હળવદ હાઇવે પર મહેન્દ્રનગર આઈટીઆઈ પાસે ગઈકાલે સવારના સમયે પુરપાટ ઝડપે ધસી આવેલા ટ્રકે બાઇકને પાછળથી ટક્કર મારતા સાઢુભાઈની નજર સામે જ સાઢુભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે બાઈક પાછળ બેઠેલા સાઢુભાઈને ઇજાઓ પહોંચતા અકસ્માતના બનાવ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મોરબીના ઘુંટુ ગામે સરકારી હાઈસ્કૂલ પાછળ રહેતા દેવજીભાઈ હરખજીભાઈ સનારીયા ઉ.76 વાળાઓએ આરજે - 01 - જીડી - 2577 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે સવારના સમયે તેઓ તેમના સાઢુભાઈ નરભેરામભાઈના બાઈક નંબર જીજે - 03 - ડીબી - 2585માં પાછળ બેસી જતા હતા ત્યારે આઈટીઆઈ પાસે ટ્રક ચાલકે પાછળથી બાઇકને ઠોકર મારતા ટ્રકનું આગળનું વ્હીલ નરભેરામભાઈના પગ પર ફરી વળ્યું હતું અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા નરભેરામભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે ફરિયાદી દેવજીના બન્ને પગમાં ફ્રેક્ચર થયું હતું.બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.