વહેલી સવારે પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સહિતનાએ એકતા દોડ લગાવી
મોરબી : તમામ રજવાડાનું વિલીનીકરણ કરી સમગ્ર દેશને એકસુત્રે જોડી દેશની એકતા, અખડીતતા માટે જીવન સમર્પિત કરનાર લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની આજે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી લોકો દેશની એકતા અને અખડીતતા માટે સંદેશ મેળવે તેવા હેતુસર રન ફોર યુનિટી એટલે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું અને વહેલી સવારે પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સહિતના લોકોએ એકતા દોડ લગાવી શહેરીજનોને એકતા રાખવાનો સંદેશ આપ્યો હતો.
મોરબી જિલ્લા પોલીસ, મોરબી મહાપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત એકતા દોડ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ કરીને નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી યોજવામાં આવી હતી. ત્યારબાદ સરદાર સાહેબના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ દોડનો હેતુ લોકોમાં રાષ્ટ્રીય એકતાનો સંદેશ ફેલાવવાનો હતો. આ અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિતે રન ફોર યુનિટી યોજાઈ હતી. જેમાં પોલીસ જવાનો, છાત્રો, કર્મચારીઓ સહિતના જોડાયા હતા. આ રન ફોર યુનિટીમક 8 વર્ષના બાળકોથી લઈ 60થી 70 વર્ષ સુધીના લોકોએ દોડ લગાવી હતી અને આ એકતા દોડથી લોહપુરુષ સરદાર સાહેબનો એકતા અને અખંડિતતાનો સંદેશ તમામ શહેરીજનો સુધી પહોંચાડવાનો હકારાત્મક પ્રયાસ કરાયો હતો. જ્યારે જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે જણાવ્યું કે અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબના મૂલ્યો અને સંદેશને જીવનમાં ઉતારીશું તો દેશનો વિકાસ નવી ઊંચાઈએ આંબશે. મોરબીજનોને મારી વિનંતી છે કે સરદાર સાહેબના વિચારોને જીવનમાં જરૂર અમલ લાવો. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ભારતની એકતા અને અખંડિતતાનો સંદેશ આપવા એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.