મિતાણા અને રાજકોટના બે શખ્સ સામે વ્યાજખોરીનો ગુનો; દૈનિક વ્યાજ વસૂલ્યા બાદ પણ જાનથી મારી નાખવાની ધમકી, પઠાણી ઉઘરાણીનો આક્ષેપ
ટંકારા : રાજ્યભરમાં વ્યાજખોરી સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી, અનેક ગુનાઓ નોંધાઈ રહ્યા છે અને પાસા જેવા કડક કાયદા હેઠળ પણ પગલાં લેવાઈ રહ્યા છે. તેમ છતાં કેટલાક વ્યાજખોરોમાં કાયદાનો કોઈ ડર ન રહ્યો હોય તેમ પઠાણી ઉઘરાણીના બનાવો યથાવત સામે આવી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો બનાવ ટંકારા તાલુકાના ઓટાળા ગામમાં સામે આવ્યો છે, જેમાં રૂ. 30 લાખ ઉછીના લીધેલા ખેડૂત યુવકે અત્યાર સુધીમાં રૂ. 1.45 કરોડ જેટલી રકમ ચૂકવી હોવા છતાં વ્યાજખોરોનું પેટ ન ભરાતા ધાક-ધમકી આપી તેની વર્ના કાર પણ બળજબરીથી પડાવી લીધાનું પોલીસ ફરિયાદમાં બહાર આવ્યું છે.
ટંકારાના ઓટાળા ગામે રહેતા ખેડૂત બેચરભાઈ મગનભાઈ ઘોડાસરા (ઉ.વ. 30)એ મિતાણા ગામના જયદીપભાઈ બાબુભાઈ બસિયા અને રાજકોટના રવિભાઈ ઝીલરિયા સામે ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ વર્ષ-2024 દરમિયાન નાણાકીય જરૂરિયાત ઉભી થતાં બેચરભાઈએ જયદીપ બસિયા પાસેથી રૂ. 17 લાખ વ્યાજે લીધા હતા. જેમાં રૂ. 13 લાખ સામે દરરોજ રૂ. 13 હજાર અને બાકીના રૂ. 4 લાખ સામે દરરોજ રૂ. 6 હજાર લેખે વ્યાજ ચૂકવવામાં આવતું હતું. આ રીતે તેમણે અત્યાર સુધીમાં માત્ર આ એક જ વ્યાજખોરને રૂ. 1 કરોડ 10 લાખ જેટલી રકમ ચૂકવી દીધી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
ત્યારબાદ વર્ષ-2025માં વધુ નાણાંની જરૂર પડતાં ફરિયાદીએ રાજકોટના રવિ ઝીલરિયા પાસેથી રૂ. 13 લાખ વ્યાજે લીધા હતા. જેમાં રૂ. 7 લાખ સામે દરરોજ રૂ. 10,500 અને રૂ. 6 લાખ સામે દરરોજ રૂ. 6 હજાર લેખે વ્યાજ ચૂકવવામાં આવતું હતું. આ વ્યાજ પેટે અત્યાર સુધીમાં રૂ. 35 લાખ ચૂકવી દીધા હોવા છતાં બંને આરોપીઓએ ઉઘરાણી બંધ કરી નહોતી.
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બંને વ્યાજખોરોએ ફરિયાદી અને તેમના પરિવારને સતત ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. એટલું જ નહીં, રાજકોટના રવિ ઝીલરિયાએ ફરિયાદીની માલિકીની વર્ના કાર (નંબર GJ-36-R-7008) પણ બળજબરીપૂર્વક પડાવી લીધી હતી.
આ બનાવે ફરી એક વખત સાબિતી આપી છે કે વ્યાજખોરી સામે સતત પોલીસ કાર્યવાહી, અનેક ફરિયાદો અને પાસા જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી થવા છતાં કેટલાક વ્યાજખોરોમાં કાયદાનો ફફડાટ જોવા મળતો નથી. તેના બદલે બેફામ બની પઠાણી ઉઘરાણી, ધાક-ધમકી અને દબાણના બનાવો હજુ પણ સામે આવી રહ્યા છે. ટંકારા પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.