મોરબી : રોર પ્રીમિયર લીગ સીઝન-2નો ભવ્ય આરંભ, ડોમિનેટર્સ અને ટાઇટન્સની જીત સાથે શરૂઆત
ધ રોર ક્રિકેટ ક્લબ મોરબી દ્વારા આયોજિત અને આરબી દ્વારા સમર્થિત રોર પ્રીમિયર લીગ (RPL) સીઝન-2નું ઉદ્ઘાટન આજે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી સત્યજીત વ્યાસના હસ્તે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. લીગના પ્રથમ દિવસે ગ્લેડીએટર્સ ટાઇટન્સ અને ડોમિનેટર્સ ટીમોએ પોતાની-પોતાની મેચ જીતીને ટૂર્નામેન્ટની ઉત્સાહભરી શરૂઆત કરી હતી.
પ્રથમ મેચમાં કેપ્ટન હર્ષલ કવાથિયાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ‘પ્લેયર ઓફ ધ મેચ’નો ખિતાબ મેળવ્યો હતો. બીજી મેચમાં દક્ષ દયાલ અને ત્રીજી મેચમાં જયરાજસિંહ ઝાલા પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ થયા હતા.
ઉદ્ઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં વાલીઓ, રમતપ્રેમીઓ અને દર્શકો હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વ્યાસે તમામ ખેલાડીઓને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાની પ્રેરણા આપી અને ટૂર્નામેન્ટ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ધ રોર ક્રિકેટ ક્લબના ડાયરેક્ટર શ્રી રાજકુમાર શર્માજીએ તમામ મેન્ટર, કેપ્ટન અને તેમની ટીમોને અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે ક્લબના ડિરેક્ટર ડૉ. અલી ખાને ઉપસ્થિત તમામ વાલીઓ, સમર્થકો અને સન્માનિત મહેમાનોનું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો.
એકેડમીના મુખ્ય કોચ મનદીપ સિંહે જણાવ્યું હતું કે આ ટૂર્નામેન્ટ 18 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી યોજાશે અને દર્શકો માટે તમામ મેચો ઘરેથી લાઈવ જોવા માટેની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.