મોરબી : મોરબી જિલ્લામાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા ક્ષતિરહિત અને સુચારૂ રીતે સંપન્ન થાય તેવા ઉમદા હેતુથી 21 ચૂંટણી અધિકારીઓ (RO) અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ (ARO) માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં મોરબી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ઉમેદવારી પત્રો ભરવાની પદ્ધતિ, ફોર્મની ચકાસણી (Scrutiny) અને ઉમેદવારી પત્રો ખેંચવાની પ્રક્રિયા અંગે અધિકારીઓને માહિતગાર કરાયા હતા.
ટેકનિકલ પાસાઓને ધ્યાને રાખીને EVM ના કાર્યકારી સંચાલન અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટેની કાયદાકીય જોગવાઈઓ વિશે પણ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. વરિષ્ઠ અધિકારીઓએ આ તકે જણાવ્યું હતું કે, ચૂંટણીમાં પાયાના સ્તરે કામગીરી કરતા RO અને ARO ની ભૂમિકા અત્યંત નિર્ણાયક હોય છે.