વાહન, મોબાઈલ સહિત 13.26 લાખનો મુદ્દામાલ કબ્જે
વાંકાનેર : મોરબી જિલ્લામાં ફાયર કલેની ખનીજચોરીનું હબ ગણાતા ચિત્રાખડા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની સચોટ બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી રૂ.5,85,500 રોકડા તેમજ વાહન અને મોબાઈલ મળી કુલ રૂ. 13.26 લાખના મુદ્દામાલ સાથે છ આરોપીઓને ઝડપી લીધા હતા.પોલીસના દરોડા બાદ સાત આરોપીઓ વાહનો મૂકી નાસી જતા પોલીસે કુલ 13 આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
વાંકાનેર તાલુકા પોલીસને સચોટ બાતમી મળી હતી કે, ચિત્રાખડા ગામની સીમમાં વાડી ધરાવતા આરોપી ભગવાનજી ઉર્ફે હરેશ સવસીભાઈ જેજરીયા નામનો શખ્સ બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી વાડીની ઓરડીમાં જુગાર રમવાના સાધનો પુરા પાડી જુગાર રમાડી રહ્યો છે. જે બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા બનાવ સ્થળેથી આરોપી ભગવાનજી ઉર્ફે હરેશ સવશીભાઇ જેજરીયા, રહે.ચીત્રાખડા, ચાપરાજભાઇ કાનભાઇ માલા, રહે.વેલાળા(સા) હનુમાન ડેરી પાસે તા.થાન, રાજેશભાઇ શાંતીદાસ દેસાણી, રહે.વગડીયા ગામ તા.મુળી, સુરેશભાઇ કેશુભાઇ સાબરીયા, રહે.નવાગામ હનુમાન મંદિર પાસે તા.થાનગઢ, શામજીભાઇ કાળુભાઇ દેથરીયા, રહે.રામપરા ગામ, તા.થાન અને ઉદયભાઇ સોમલાભાઇ ખાચર, રહે.વેલાળા ગામ તા.થાનગઢ નામના શખ્સો રોકડા રૂપિયા 5,85,500 સાથે તીનપતિ રમતા ઝડપાઇ ગયા હતા.
જો કે, દરોડા દરમિયાન આરોપી કરમશીભાઇ સવશીભાઇ જેજરીયા રહે.ચીત્રાખડા ગામ, છ મોટર સાયકલ ચાલકો મોટર સાયકલ રેઢા મૂકી નાસી જતા પોલીસે બાઈક નંબરના આધારે તમામ નાસી જનારા આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી જુગારધામમાંથી પાંચ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 95,500, દસ મોટર સાયકલ અને એક બોલરો કિંમત રૂપિયા 6,45,000 મળી જુગારધામાંથી 13,26,000નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા 4, 5 મુજબ કાર્યવાહી કરી હતી.