મોરબી : મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં 25 જેટલા યાયાવર કુંજ પક્ષીઓના ભેદી મોત થયા હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ આ ગંભીર બનાવ મામલે મોરબી ફોરેસ્ટ વિભાગે ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ કરતા પીએમ રિપોર્ટમાં ખેતરમાં વાવેલા ઝેરી ઘઉં ખાવાથી કુંજના મોત થયા હોવાનું સામે આવતા ઉચ્ચકક્ષાએ રિપોર્ટ કર્યા બાદ આ કુંજપક્ષીઓને દફન કરવા કાર્યવાહી કરવામાં આવી હતી.
મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં ગઈકાલે કુંજ પક્ષીઓનું આગમન થયું હતું અને સાંજે એકસાથે 20થી 25 જેટલા કુંજ પક્ષીઓના મૃતદેહ જોવા મળતા ગ્રામજનોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગની ટિમ આવી હતી અને તપાસ અર્થે 3 મૃતદેહો લઈ ગયા હોવાનું જણાવ્યું હતું. કમોસમી વરસાદ બાદ હાલમાં શિયાળુ પાકનું વાવેતર ચાલી રહ્યું છે. ખાસ કરીને ખેડૂતો ઘઉં, ચણા જેવા પાકના વાવેતર સમયે ઝેરી દવાનો પટ્ટ મારતા હોવાથી પક્ષીઓ આવા બિયારણ ખાવાથી પણ મૃત્યુ થતા હોવાના બનાવો બને છે. મોરબી શહેર જિલ્લામાં જળાશયો, નદીકાંઠા વિસ્તાર, તળાવ તેમજ અન્ય પાણી ભરેલા સ્થળોએ વિદેશી પંખીઓ મહેમાન બનતા હોય છે ત્યારે ચાંચાપરમા પણ દર વર્ષે મોટા પ્રમાણમાં કુંજ પક્ષી આવતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
મોરબી તાલુકામાં ચાંચાપરમા કુંજ પક્ષીઓના મૃત્યુ મામલે વન વિભાગના ફોરેસ્ટર જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ચાંચાપર ગામની સીમમાં 17 કુંજ પક્ષીઓના મૃત્યુ થયા હોવાનું સામે આવતા કુંજ પક્ષીઓનું પીએમ કરવામાં આવ્યું હતું. પીએમ રિપોર્ટમાં કુંજપક્ષીના શરીરમાંથી ઝેરી ઘઉં, ધૂળ તેમજ કાંકરા મળી આવ્યા હોવાથી એક્સિડેન્ટલ ડેથ હોવાનું અને શિકારની ઘટના ન હોવાનું તેમને સ્પષ્ટ કર્યું હતું. વધુમાં ફોરેસ્ટર જયદીપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, હાલમાં વાવેતરની સીઝન હોય આ પક્ષીઓએ ધૂળ નીચે દટાયેલ ઝેરી દવા યુક્ત ઘઉં ખાવાથી ઘટના બની હોવાનું જણાઈ રહ્યું છે. હાલમાં નિયમ મુજબ વડી કચેરીને જાણ કરી તમામ મૃત કુંજ પક્ષીને દફન કરી અંતિમવિધિ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.