મોરબી : મોરબી શહેરના લખધીરપુર રોડ પર આવેલ મોટર રિવાઇન્ડિંગની દુકાનના શટર ઉચકાવી અજાણ્યા તસ્કરો કોપરનો વાયર, જૂની મોટર, ભંગાર તેમજ અન્ય વસ્તુઓ મળી રૂ.1.98 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરી જતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી શહેરના લખધીરપુર રોડ પર આવેલ પટેલ ચેમ્બરમા ન્યુ પટેલ મોટર રિવાઇન્ડિંગ નામની દુકાન ધરાવતા મનીષભાઈ રામજીભાઈ મેરજા ઉ.40 રહે.રામકો બંગલો પાછળ, કેનાલ રોડ, મોરબી વાળાઓએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.2ના રોજ રાત્રીના સમયે તેમની દુકાનમાં ઘુસેલા તસ્કરોએ શટર ઉચકાવી કોપરનો નવો વાયર 380 કિલોગ્રામ, કોપર વાયરનો ભંગાર 60 કિલોગ્રામ, 12 મોટરની બોડી, એક ટ્રાન્સફોર્મર, તેમજ સીસીટીવી કેમેરા અને ડીવીઆર સહિત રૂ. 1,98,200 નો મુદામાલ ચોરી કરી લઈ ગયા હતા.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.