Friday - Feb 13, 2026

મોરબીમાં નિવૃત પોલીસ કર્મી સંચાલિત આધુનિક કેસીનો જેવા જુગારધામમાં દરોડો, 12 ઝડપાયા

મોરબીમાં નિવૃત પોલીસ કર્મી સંચાલિત આધુનિક કેસીનો જેવા જુગારધામમાં દરોડો, 12 ઝડપાયા

લાતીપ્લોટમાં કેસીનો જેવા જુગારધામમાં દરોડા દરમિયાન વિદેશી દારૂની બોટલો પણ મળો, રોકડા રૂ.2 લાખ તેમજ કાર અને બાઈક મળી 10.38 લાખનો મુદ્દામાલ કબ્જે

મોરબી : મોરબી શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં નિવૃત પોલીસ કર્મચારી દ્વારા જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા આધુનિક કેસીનો જેવા જુગારધામમાં બે અલગ અલગ રાઉન્ડ ટેબલ પર જુગાર રમી રહેલા 12 જુગારીઓને રોકડા રૂપિયા 2 લાખ તેમજ કાર અને બાઈક મળી કુલ રૂપિયા 10.38 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને જુગારધામમાંથી વિદેશી દારૂની બે ભરેલી અને 3 અર્ધી ભરેલી બોટલ પણ મળી આવતા પોલીસે જુગારધારા અને પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

મોરબી શહેરમાં લાતીપ્લોટ શેરી નંબર 1 અને 2ની વચ્ચે આવેલ ઓફિસમાં પહેલા માળે આરોપી પી.પી.ઠાકર ઉર્ફે પ્રિયદર્શન પૂર્ણશંકર ઠાકર જુગારધામ ચલાવી રહ્યા હોવાની બાતમીને આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા ઓફિસમાં પહેલા માળેથી અલગ અલગ બે રાઉન્ડ ટેબલ ઉપર જુગાર રમતા પ્રિયદર્શન પુર્ણશંકરભાઇ ઠાકર રહે.મોરબી રવાપર રોડ સોમનાથ સોસાયટી, મોરબી, ભાવેશભાઇ જેરામભાઇ અઘારા, રહે.સરવડ ઉમીયાનગર તા.માળીયા, સંજયભાઇ લક્ષ્મીદાસભાઇ રોજીવાડીયા રહે.મોરબી રવાપર એસ.પી.રોડ, મોરબી, દીલીપભાઇ રણછોડભાઇ દેત્રોજા, રહે. રવાપર રોડ તળાવની બાજુમા, મોરબી, ફારૂકભાઇ દાઉદભાઇ ચાનીયા રહે.લોહાણાપરા, દાણાપીઠ, મોરબી, બલભદ્રસિંહ ઉપેન્દ્રસિંહ જાડેજા, રહે.મોરબી શનાળા રોડ, હાઉસીંગ બોર્ડ, મોરબી, અમીતભાઇ ગુણવંતભાઇ ગૌસ્વામી, રહે.મોરબી કન્યા છાત્રાલય રોડ, અકબરભાઇ જુસબભાઇ કટીયા, રહે.મોરબી જુના બસસ્ટેન્ડ ઇદ મસ્જીદ પાછળ, સુભાનભાઇ ઇકબાલભાઇ જેડા, રહે.મોરબી ખ્વાજા પેલેસ વાળી શેરી, જોન્શનગર, જુસબભાઇ ગુલમામદભાઇ મોવર, રહે. મોરબી જુના બસસ્ટેન્ડ પાછળ ઇદ મસ્જીદ પાસે, પ્રાણજીવનભાઇ સવજીભાઇ સંઘાણી રહે.મોરબી કેનાલ રોડ રાધાક્રિષ્ના સોસાયટી અને ભરતભાઇ તળશીભાઇ સાંદેશા રહે.મોરબી મોટી માધાણી શેરી વાળાઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

પોલીસે દરોડા દરમિયાન રોકડા રૂપિયા 2,08,200 તેમજ એક કાર, 11 મોબાઈલ ફોન અને ત્રણ બાઈક મળી કુલ રૂપિયા 10, 38, 200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, દરોડા દરમીયાન પોલીસને ઓફિસમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 2 આખી ભરેલી સીલબંધ બોટલ તેમજ ત્રણ અર્ધ ભરેલી બોટલ પણ મળી આવતા પોલીસે રૂ.4600નો મુદ્દામાલ કબ્જે કરી 12 આરોપીઓ વિરુદ્ધ જુગારધારા 4 - 5 મુજબ ગુન્હો દાખલ કરી પી.પી.ઠાકર વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.સૂત્રોના જણાવ્યા મુજબ કેસીનો જેવી આ જુગાર કલબમાં સીસીટીવી કેમેરા અને રિમોટ સંચાલિત દરવાજા હોવાનું પણ સામે આવ્યું છે. આ અગાઉ પણ પોલીસે અહીં દરોડો પાડી જુગારધામ ઝડપી લીધું હતું.