મોરબીના પંચાસર રોડનું કામ ટલ્લે ચડતા અને રોડનું કામ એકદમ અણઘડ રીતે થતું એમાં પણ કોન્ટ્રાકટર પોતાની ઘરની ધોરાજી ચલાવતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશોએ પંચાસર રોડ ઉપર ચક્કાજામ કરી દીધો હતો. જો કે રોડનું કામ ટલ્લે ચડાવનાર કોન્ટ્રાકટર હજાર ન થાય ત્યાં સુધી રહીશોએ રસ્તો ખુલ્લો ન કરવાનો મક્કમ નિર્ધાર કરતા અનેક વાહનો ફસાયા હતા અને ચક્કાજામથી અનેક લોકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા.
મોરબીના પંચાસર રોડ ઉપર આજે સવારથી સ્થાનિક રહીશોએ બન્ને બાજુએ તેમજ રોડ વચ્ચેની શેરીઓમાં પણ ખૂણે વાહનો મૂકીને આ રોડ બંધ કરી ઉગ્ર આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, પંચાસર રોડના કામમાં કોઈ ઠેકાણા જ નથી. કોન્ટ્રાકટર મન ફાવે એવું કામ કરે છે. આ રોડના કામમાં જ્યાં જુઓ ત્યાં મોટા ભુવા અને ખાડા પડેલા છે અને ગટરો પણ ઉભરાઈ રહી છે. આથી રોડની બદતર હાલત થઈ ગઈ છે. કોન્ટ્રાકટર આડેધડ કામ કરે છે. કોઈ કહેવાવાળું ન હોય એમ આઠ મહિનામાં માત્ર હજુ રોડ જ ખોદીને જેમની તેમ જ રાખી દીધો છે. આવી પરિસ્થિતિમાં વાહન ચાલકો કેવી રીતે ખરાબ રોડ ઉપર નીકળી શકે ? અહીંના દુકાનદારોને આ રોડના કામને લીધે ભારે પરેશાની થાય છે. રોડનું કામ આઠ મહિનાથી ચાલી રહ્યું છે. પણ એક થોડા ભાગનો ટુકડાનો પણ રોડ સારો બન્યો નથી. અત્યાર સુધીમાં કોન્ટ્રાકટર શુ કરે એ જ ખબર પડતી નથી. કોન્ટ્રાકટરને કહીએ તો ઉડાવ જવાબ આપે છે અને હમણાંથી કોન્ટ્રાકટર હાજર ન હોય કામ ટલ્લે ચડ્યું છે. આ રોડ પરની શેરીઓના ખૂણે પણ રોડ બન્યો ન હોય એ લોકોને ભારે હાલાકી પડે છે. જો કે ધારાસભ્યએ અગાઉ રોડના કામમાં કંઈપણ ખોટું હોય તો અટકાવી દેવાનું કહ્યું હતું અને પોતે પણ યોગ્ય પગલાં ભરશે એવું કહ્યું હતું. ત્યારે હવે પંચાસર રોડનું ખોટી રીતે કામ થતું હોવાની રાવ સાથે કામ બંધ કર્યું હોય હવે ધારાસભ્ય કોઈ પગલાં ભરે છે કે નહીં તે જોવાનું રહ્યું.