જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવા અને શિક્ષણ સિવાયની કામગીરી (BLO સહિત)માંથી મુક્તિ આપવા માંગણી કરાઈ
મોરબી: મોરબી જિલ્લાના શિક્ષકોના વિવિધ લાંબા સમયથી પડતર પ્રશ્નોના નિરાકરણ માટે તાજેતરમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં પરિણામલક્ષી રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લાના અગ્રણી શિક્ષક નેતાઓ દ્વારા અધ્યક્ષ સમક્ષ 12 જેટલી મહત્વની માંગણીઓ મૂકવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવા અને શિક્ષણ સિવાયની કામગીરી (BLO સહિત)માંથી મુક્તિ આપવા પર ભાર મૂકાયો હતો.
2005 પછી નિમણૂક પામેલા તમામ શિક્ષકો/કર્મચારીઓને તાત્કાલિક જૂની પેન્શન યોજના OPS નો લાભ આપવાની માંગ કરાઈ છે. તેમજ 90% શિક્ષકોને જ BLO ની ફરજ સોંપવામાં આવે છે. આ ફરજ તમામ કેડરના કર્મચારીઓને સોંપવામાં આવે. આ સાથે વ્યાજબી મેડિકલ કારણો (જેમ કે બાયપાસ ઓપરેશન) અને દસ વર્ષથી વધુ સમયથી કામ કરતા શિક્ષકોને મુક્તિ આપવા છતાં વોરંટ ઇશ્યુ થવાના કિસ્સા બંધ કરવા માંગ કરાઇ છે.
શિક્ષણ સત્ર શરૂ થયાના ટૂંકા સમયગાળામાં જ શિક્ષણ સિવાયના દસ જેટલા પરિપત્રો કરી અલગ-અલગ ઉજવણીઓ કરાવવામાં આવે છે, જે શિક્ષણની ગુણવત્તા પર અસર કરે છે. આ પ્રથા બંધ કરવા અને માત્ર શિક્ષણ સંબંધિત કાર્યક્રમો જ શિક્ષણ વિભાગ દ્વારા આપવા રજૂઆત કરાઈ. 2016 પહેલા નિમણૂક પામેલા વિદ્યાસહાયકોની રજાઓ પણ કેરી ફોરવર્ડ કરવા બાબત તેમજ નામદાર ન્યાયાલયના જજમેન્ટ મુજબ હાલ ફરજ બજાવતા અનુભવી શિક્ષકોની TET અને TAT પરીક્ષા રદ કરવા માંગ કરાઈ છે. 150થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં સિનિયર શિક્ષકો આચાર્ય તરીકે ફરજ બજાવે છે, તેમના આચાર્ય એલાઉન્સમાં વધારો કરવા તેમજ CPF નંબર અને પ્રાણ કીટ મેળવવામાં થતો વિલંબ દૂર કરવા અને જાહેર રજાના દિવસે કરેલ BLO કામગીરી બદલ વળતર રજાને બદલે પ્રાપ્ત રજા આપવાની માંગ પણ રજૂ કરાઈ હતી.