શિક્ષણ આલમમાં ખુશીની લહેર
કચેરીના કર્મચારીઓના સન્માન સાથે સમૂહ ભોજન યોજી પરસ્પર સ્નેહ અને સહકારની ભાવના વ્યક્ત કરાઈ
મોરબી: મોરબી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ફરજ બજાવતા ફિક્સ પગારના શિક્ષકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને આનંદદાયક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં જિલ્લાના ૨૯ શિક્ષકોને નિયમિત પગારના હુકમો એનાયત કરવામાં આવતા શિક્ષકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.
ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ-૩ (નો.ક) સરકારી કર્મચારી મંડળ-મોરબી તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી-મોરબીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના મીટીંગ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી કે.એમ. મોતા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મોરબી જિલ્લા સંઘ પ્રમુખ મેહુલભાઈ દેથરીયા, મહામંત્રી હર્ષદભાઈ બોડા, શિક્ષણ નિરીક્ષક ધર્મિષ્ઠાબેન કડીવાર, હિતેશભાઈ સરડવા, વહીવટી અધિકારી બ્રિજેશભાઈ તેમજ (એ.ઇ.આઇ) અને ઓફિસના તમામ ક્લાર્ક ગણ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન કુલ ૨૯ શિક્ષકોને તેમના નિયમિત પગારના ઓર્ડર સન્માનપૂર્વક વિતરણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માત્ર ઓર્ડર વિતરણ જ નહીં, પરંતુ કચેરીની કામગીરીમાં સતત સહયોગ આપનાર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના તમામ અધિકારીઓ, શિક્ષણ નિરીક્ષકો, મદદનીશ શિક્ષણ નિરીક્ષકો, ક્લાર્ક તથા વર્ગ-૪ ના કર્મચારીઓનું પણ સન્માન કરી તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો, અધિકારીઓ, કર્મચારીઓ અને શિક્ષકોએ સાથે મળીને સમૂહ ભોજન લીધું હતું. આ આયોજનને કારણે શિક્ષણ વિભાગના કર્મચારીઓ વચ્ચે પરસ્પર સ્નેહ, સહકાર અને સમન્વયની ભાવના વધુ મજબૂત બની હતી.