મોરબી : મોરબી મનપા ટ્રાફિકને અડચણરૂપના નામે મુખ્ય બજારોમાં સામાન્ય ધંધાર્થીઓના દબાણો હટાવી દીધા હતા. જેમાં મનપાએ સામાન્ય ધંધાર્થીઓની રેકડી, ગલ્લા, ફેરિયાનો સમાન અને બજારોમાં દુકાનો બહારનો સમાન જપ્ત કરી લેતા રોજગાર વિહોણા થયેલા વિસ્થાપિત એવા સામાન્ય ધંધાર્થીઓએ ધંધો છીનવાઈ જવાથી એકીસુરે "અમે ક્યાં જઈએ" તેવી વેદના વ્યક્ત કરી હતી.
મોરબી મહાનગરપાલિકા છેલ્લા એકવર્ષથી અઠવાડિયામાં એકવાર શહેરમાં ટ્રાફિકને નડતરરૂપ ગેરકાયદે દબાણો ઉપર તવાઈ બોલાવી રહી છે. મનપાની આ અવિરતપણે ચાલી રહેલી ગેરકાયદે દબાણ હટાવ ઝુંબેશમાં માત્ર સામાન્ય માણસ જ ટાર્ગેટ કરીને તેમના ધંધા રોજગાર છીનવી લેવાતા હોવાની અનેક વખત સામાન્ય ધંધાર્થીઓએ મનપા સામે આક્રોશ સાથે હૈયાવરાળ ઠાલવી છે. જો કે થોડા સમય પહેલા જ બજાર વિસ્તારમાં દુકાનો બહાર રહેલા થોડાક સામાનને મનપાએ જપ્ત કરી લેતા વેપારીઓ અને મનપાના અધિકારીઓ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું અને વેપારીઓએ ચક્કાજામ કરતા કોંગ્રેસ તેમજ ભાજપ અગ્રણી પણ કૂદી પડતા આ આંદોલને રાજકીય રંગ પકડ્યો હતો. વેપારીઓ અને સામાન્ય ધંધાર્થીઓની નારાજગી વચ્ચે પણ મનપાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત દર અઠવાડિયે બજાર વિસ્તારમાં દબાણ દૂર કર્યા હતા. જેમાં તખ્તસિંહજી રોડ તથા પરા બજાર મેઇન રોડને અડચણ રૂપ દબાણો દૂર કર્યા હતા. તેમજ તખ્તસિંહજી રોડ, સુભાષ રોડ અને પરા બજાર મેઇન રોડ ખાતે દુકાનની બહાર સામાન રાખી વેચાણ કરતાં લારી - ગલ્લા અને ફેરી કરતાં લોકોનો સામાન જપ્ત કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, મનપા માત્ર નાના લોકોને નિશાન બનાવીને મોટા દબાણોને છાવરતું હોવાનો જાગૃત નાગરિકોએ આક્ષેપ કરી કાયદાની રુએ સામાન્ય માણસોના માર્ગો પરના દબાણો ગેરકાયદે હોય એને હટાવવા પડતા હોય એ સાથે સંવેદના દાખવી આ લોકો ધંધા રોજગાર ચલાવી શકે તેવી ટોકન રૂપ જગ્યા ફાળવે તેવી માંગ કરી છે.