Tuesday - Aug 25, 2026

RB ન્યુઝ સ્પેશિયલ : ખાંડ "કડવી" થતા તહેવારોમાં મીઠાઈ અને ચાની લિજ્જત ફિક્કી પડયાનો સામાન્ય વર્ગની ગૃહિણીઓનો કાળો કકળાટ

RB ન્યુઝ સ્પેશિયલ : ખાંડ

મોરબીમાં આરબી ન્યુઝ સમક્ષ સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતી મહિલાઓએ ખાંડના તહેવારોમાં ભાવ વધતા ચાની ચાહત અને મીઠાઈ ફરસાણમાં કટોતી મુકવી પડે તેવી મુશ્કેલભરી પરિસ્થિતિ વ્યક્ત કરી

(રવિ બરાસરા) : મોરબી જેવા સીરામીક શહેરમાં યુદ્ધની પરિસ્થિતિ બાદ પેટ્રોલ ડીઝલ સહિતની ચીજોમાં ઉત્તરોતર ભાવવધારો અને હવે જન્માષ્ટમી જેવા મહત્વપૂર્ણ તહેવારોમાં ખાંડમાં ભાવ વધારો ઝીકાતા જાણીતી વેબ પોર્ટલ આરબી ન્યુઝ સમક્ષ સામાન્ય આર્થિક પરિસ્થિતિ ધરાવતી મહિલાઓએ સવારની ચાની ચૂસકી ફિક્કી અને તહેવારોમાં મીઠાઈની લિજ્જત માનવી મુશ્કેલ બનશે તેવો કકળાટ કર્યો હતો. આ મહિલાઓએ જણાવ્યું હતું કે, સામાન્ય આવક ધરાવતા લાખો લોકોને મજૂરી કામ સામે મહેનતાણું એટલે માસિક વેતન અને મોંઘવારી સામે ક્યારેય તાલમેલ જળવાતો જ  નથી. એનું કારણે જે રોકેટ ગતિએ મોંઘવારી વધે છે એ રીતે આ શ્રમિકોના પગાર વધતા નથી. તેથી ઘરનો મોરચો સંભાળતી આ સામાન્ય વર્ગની ગૃહલક્ષ્મીઓને ઘરનું ગુજરાન ચલાવવામાં આકરી કસોટી થાય છે. ઘરના પુરુષ સભ્યો મહિને કમાઈને પગાર ગૃહલક્ષ્મીને સોંપી પોતે બિન્ધાસ્ત બની જાય છે પણ આ ઘરની લક્ષ્મીને ઘર ચલાવવામાં એટલી કરકસર કરવી પડે છે કે રોજ રોજ પાઈ પાઇ બચાવી બિનજરૂરી તો ઠીક જરૂરી ખર્ચા ઉપર કાપ મૂકે ત્યારે માંડ માંડ ઘરના બે છેડા ભેગા થાય છે. આવી મોંઘવારીથી પીડિત મહિલાઓના પડ્યા ઉપર પાટુની જેમ મહત્વના જન્માષ્ટમીના તહેવારોમાં જ ખાંડમાં ભાવવધારો કરાતા સામાન્ય વર્ગની મહિલાઓની પીડાનો કોઈ પાર રહ્યો નથી. આથી તહેવારોના ટાંકણે જ ખાંડ જેવી જીવન જરૂરી વસ્તુને મોંઘી કરવાથી સામાન્ય આર્થિક વર્ગની ગૃહિણીઓની પીડાનો કોઈ પાર રહ્યો નથી. આ મહિલાઓએ પહેલેથી મોંઘવારીથી પીડિત હોય હવે સરકારે ખાંડ મોંઘી કરીને અમારા જેવા ગરીબોના મોઢેથી સવારની ચ્હાનો પ્યાલો છીનવી લેવાની કોશિશ કરી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ખાંડના ભાવ વધારી દાઝ્યા પર ડામ દીધો
 

RB ન્યુઝ સ્પેશિયલ : ખાંડ

હું અને મારા પતિ બન્ને કમાય છીએ જેમાં હું સિલાઈ મશીનનું કામ કરવાની સાથે ઘર અને બાળકોની જવાબદારી પણ નિભાવુ છે. મારા પતિ સામાન્ય નોકરી કરે પણ તેમાં 12 હજાર જેટલી માંડ આવક થાય છે જો કે હાલ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે, મહિને 25, 30 હજાર કમાય તો પણ ભેગું થાય એમ નથી. આમ છતાં અમે બન્ને પતિ પત્ની નાની આવકમાં કરકસર કરી પાઈ પાઈ બચાવી ઘરનું માંડ પૂરું કરતા હોય ત્યાં હવે ફરી તહેવારોના ટાંકણે ખાડમાં ભારે ભાવ વધારો કરી નાખતા મારુ બજેટ જ ખોરવાય ગયું, રોજની ચા અને મીઠાઈ વગર તહેવારો કેવી રીતે મનાવવા તેની મોટી ઉપાધિ આવી પડી છે.

લક્ષ્મીબેન પ્રવીણભાઈ ચાવડા, ગૃહિણી

RB ન્યુઝ સ્પેશિયલ : ખાંડ

સવારની ચા ફિક્કી પડી ગઈ

મારા પતિનું અવસાન થયું છે. એટલે ઘરની સઘળી જવાબદારી મારે શિરે આવી છે. હું એક કેટરિંગની દુકાનમાં કામ કરવાની સાથે ઘરનો મોરચો પણ સાંભળું છું. પણ ટૂંકા પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ હોય અને ઉપરથી ખાડના ભાવો અતિશય વધી સવારની ચા ફિક્કી પડી ગઈ છે. આખા દિવસમાં મહેમાનો આવે કે પરિવાર માટે જરૂરી હોવા છતાં ચા ની કટોતી મુકવી પડે  એવી સ્થિતિ છે.

-મકવાણા કંચનબેન ઘનશ્યામભાઈ, ગૃહિણી

RB ન્યુઝ સ્પેશિયલ : ખાંડ

ખાંડના ભાવો અટકવાના જ નથી

અમે એક કારખાનામાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવીએ છે. અમે મજૂર વર્ગ હોય એટલે સામાન્ય આવકને કારણે મોંઘવારીનો માર સહન કરવો મુશ્કેલ છે. તેનાય હમણાં એ પણ જન્માષ્ટમી જેવા મહત્વના તહેવારોમા સરકારે અમારા જેવા મજૂર લોકો માટે ખાંડ કડવી કરી નાખી તેનાથી ઘર ચલાવવામાં વધુ મુશ્કેલી પડી રહી છે ઇતિહાસ સાક્ષી છે કે અત્યાર સુધી જે જે વસ્તુના ભાવ વધ્યા એના ભાવ ક્યારેય ઘટ્યા નથી બલ્કે ઓર વધ્યા છે. એટલે ખાંડના ભાવ હજુ પણ વધવાના જ છે.

-વસાવા લક્ષ્મીબેન તખ્તભાઈ, ગૃહિણી

RB ન્યુઝ સ્પેશિયલ : ખાંડ

મોંઘવારી વધારીને આર્થિક અસમાનતાની ખાઈ ઉડી કરી

મારા પતિ કારખાનામાં મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા પણ એક અકસ્માતમાં તેઓ ઘાયલ થતા હાલ પથારીવશ હોય એટલે હું મજૂરી કામ કરી ગુજરાન ચલાવું છે. નાની આવકમાં પણ હું પરિવારને ખુશ રાખું છું. પણ સરકાર ખાંડ એમ દરેક ચીજો મોંઘી કરે છે અને પછી પોતે જ સમાજમાં આર્થિક અસમાનતાની ખાઈ ઉડી જતી હોવાનું કહી દોધારી તલવાર જેવું વર્તન કરે છે.

-સકુબેન નાથાલાલ પ્રજાપતિ, ગૃહિણી

RB ન્યુઝ સ્પેશિયલ : ખાંડ

સરકારે તહેવારો ઉપર ખાંડ તો બંધ કરી ઉપરથી ભાવ વધાર્યા

15 વર્ષ પહેલાં બજારમાં ખાંડ 30 રૂપિયે કિલો મળતી અને સસ્તા અનાજની દુકાને તો માત્ર 13 રૂપિયામાં મળી જતી. એમાંય દિવાળી કે સાતમ-આઠમ જેવા તહેવારો આવે ત્યારે સરકાર વધારાનો ખાંડનો જથ્થો આપતી, એટલે દરેક સામાન્ય વર્ગ સરળતાથી ઘરે મીઠાઈ ફરસાણ બનાવીને તહેવારો ઉજવી શકતા પણ હવે તો ઘણા વર્ષોથી સરકારે ખાંડ બંધ કરી અને તહેવારો ઉપર વધારાની ખાંડ આપવાને બદલે હવે ભાવ વધારી નાખ્યા તે કોઈ કાળે યોગ્ય નથી. સવારની ચાથી લઈને રોજિંદી રસોઈમાં ખાંડ વગર ચાલે નહીં, પણ આ વધતા ભાવે અમારા રસોડાનું આખું બજેટ ખોરવી નાખ્યું છે.

- કૈલાશબેન વાઘડીયા ,ગૃહિણી

RB ન્યુઝ સ્પેશિયલ : ખાંડ

હજુ ખાંડ વધુ મોંઘી થશે તો મોળી જ ચા પીવી પડશે

અમારા જેવા સામાન્ય ખેડૂત પરિવારોમા રોજ સવારથી ઉઠી અને રાત્રે સુઈ ત્યાં સુધીમાં અનેક વખત ચા પીવાય છે. અમારે ગામમાં વર્ષોથી ભોજન વગર ચાલે પણ ચા વગર ન ચાલે. તેમાં હવે ચા મોંઘી થઈ છે અને હજુ પણ ચા વધુને વધુ મોંઘી થશે એની સામે આવક તો વધશે નહિ એટલે ખાંડ મોંઘી થશે તો કદાચ ભવિષ્યમાં મોળી ચા અથવા ગોળ નાખીને ચા પીવાની નોબત આવશે.


-માણેકબેન કાનાણી ગૃહિણી