અગાઉ બે વખત રૂ.9 લાખ અને રૂ.32 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી વિશ્વાસ કેળવ્યો, ત્રીજી વખત રાજકોટ નાણાં મોકલાવ્યા બાદ ફોન સ્વીચ ઓફ કરી દીધો
મોરબી : મોરબીના રવાપર રોડ વિસ્તારમાં આવેલી આંગડિયા પેઢીના સંચાલકને અગાઉ બે વખત મોટી રકમના આંગડિયા કરાવી વિશ્વાસમાં લીધા બાદ શનાળા ગામના શખ્સે આ વખતે ફોન પર રૂ.60.63 લાખ રાજકોટ ટ્રાન્સફર કરાવી સાગરીત મારફતે નાણાં મેળવી લીધા હતા. ત્યારબાદ બંને શખ્સોના ફોન બંધ થઈ જતા આંગડિયા પેઢીના સંચાલક સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ થયાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલે સીટી એ ડિવિઝન પોલીસે બે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના રવાપર રોડ પર નીતિન સોસાયટીમાં રહેતા મૂળ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશિયા ગામના વિપુલભાઈ મોતીભાઈ ગોધાણી (ઉં.વ.45) રવાપર ચોકડી પાસે કોહિનૂર કોમ્પ્લેક્સના પહેલા માળે છેલ્લા ત્રણેક મહિનાથી શ્રીજી આંગડિયા પેઢી ચલાવે છે. દરમિયાન ગત તા.14 ઓગસ્ટના રોજ શનાળા ગામના જયરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલે વિપુલભાઈને ફોન કરી પોતે સામાકાંઠા વિસ્તારમાં હોવાનું અને થોડીવારમાં આવીને નાણાં જમા કરાવી જશે તેમ જણાવ્યું હતું. સાથે જ રાજકોટ ખાતે આવેલી શ્રીજી આંગડિયા પેઢીમાં રૂ.60,63,400 ટ્રાન્સફર કરી આપવા કહેતા અગાઉના વ્યવહારને કારણે વિપુલભાઈએ વિશ્વાસ રાખી રકમ રાજકોટ ટ્રાન્સફર કરી હતી.
રકમ ટ્રાન્સફર થયા બાદ નાણાં લેવા માટે નિમેશ આચાર્ય નામનો શખ્સ આવ્યો હતો અને રાજકોટની પેઢીમાંથી રૂ.60.63 લાખની રકમ મેળવી ગયો હતો. જોકે, કલાકો વીતી જવા છતાં જયરાજસિંહ પેઢી પર નાણાં જમા કરાવવા આવ્યો ન હતો. જેથી વિપુલભાઈએ તેને ફોન કરતાં તેનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. નાણાં લઈ ગયેલા નિમેશ આચાર્યનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તેનો ફોન પણ બંધ મળ્યો હતો.
આથી વિપુલભાઈએ પોતાની રીતે બંને શખ્સોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ સંપર્ક નહીં થતાં અંતે સમગ્ર મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી જયરાજસિંહ અગાઉ વિપુલભાઈ પાસેથી રૂ.9 લાખ તેમજ રૂ.32 લાખથી વધુની રકમના બે અલગ-અલગ આંગડિયા કરાવી ચૂક્યો હતો. અગાઉના વ્યવહારોના કારણે વિશ્વાસ કેળવ્યા બાદ આ વખતે મોટી રકમનું આંગડિયું કરાવી નાણાં મેળવી બંને શખ્સોએ ફોન બંધ કરી દીધા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પોલીસે જયરાજસિંહ ગોહિલ અને નિમેશ આચાર્ય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.