વિદ્યાર્થીઓએ ઋષિ-મુનિઓ તેમજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી વેશભૂષા ધારણ કરી સંસ્કૃત ભાષા અને ભારતીય જ્ઞાન પરંપરાના સંવર્ધનનો સંદેશ આપ્યો
મોરબી : સંસ્કૃત ભાષા માત્ર અભ્યાસનો વિષય નહીં પરંતુ ભારતીય જ્ઞાન, સંસ્કાર અને સંસ્કૃતિની મૂળ પરંપરા છે, ત્યારે મોરબીમાં નવી પેઢીને સંસ્કૃત સાથે જોડવાના હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. નિર્મળ વિદ્યાલય ખાતે યોજાયેલી સંસ્કૃત ગૌરવ યાત્રા-રેલીમાં વિદ્યાર્થીઓએ ઋષિ-મુનિઓ તેમજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી વેશભૂષા ધારણ કરી સંસ્કૃત ભાષા અને ભારતીય જ્ઞાન પરંપરાના સંવર્ધનનો સંદેશ આપ્યો હતો.
રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિની વિવિધ ઝલક રજૂ કરી હતી. ઋષિ-મુનિઓના સ્વરૂપ સહિતની પરંપરાગત વેશભૂષા દ્વારા વિદ્યાર્થીઓએ સંસ્કૃત સાથે જોડાયેલી ભારતીય જ્ઞાન પરંપરાને જીવંત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રવૃત્તિના માધ્યમથી સંસ્કૃત ભાષા પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ અને ગૌરવની ભાવના કેળવવાનો તેમજ નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ગૌરવ યાત્રામાં જિલ્લા શિક્ષણ અધિકારી કમલેશભાઈ મોતા, મોરબી મહાનગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન ભગીરથભાઈ બરાસરા, કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા, નુતનબેન વિડજા, શાળા સંચાલક નિલેશભાઈ કુંડારિયા, રમણીકભાઈ બરાસરા, કૌશિકભાઈ દેસાઈ તેમજ શાળાના સ્ટાફે સહભાગી થઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
સંસ્કૃત ભાષાને માત્ર પાઠ્યપુસ્તક પૂરતી મર્યાદિત રાખવાને બદલે તેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વને પ્રવૃત્તિના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો આ પ્રયાસ રહ્યો હતો. આવી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ, સંસ્કૃત ભાષા પ્રત્યે લગાવ અને પરંપરાગત જ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા વધારવાનો માર્ગ મોકળો થાય છે.