Tuesday - Aug 25, 2026

મોરબીમાં પત્નીને પેરાલીસીસની બીમારીની ચિંતામાં પતિએ મોતની સોડ તાણી

મોરબીમાં પત્નીને પેરાલીસીસની બીમારીની ચિંતામાં પતિએ મોતની સોડ તાણી

ઘુટુની સીમમાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં શ્રમિકનો ગળાફાંસો ખાઈ આપઘાત

મોરબી : મોરબી તાલુકાના અણિયારી ગામે પત્નીને પેરાલીસીસની બીમારી હોવાથી રાતદિવસ સેવા કરતા હોય એટલે પત્ની ફરીથી સ્વસ્થ થશે કે નહીં એની ચિંતામાં પતિએ ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવી લેતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઈ છે.જ્યારે મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલા કારખાનાના લેબર ક્વાર્ટરમાં 25 વર્ષીય યુવાને પણ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બંને બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના અણિયારી ગામે રહેતા જયંતીલાલ લાલજીભાઈ બાવરવા (ઉં.વ.59)ના પત્નીને પેરાલીસીસની બીમારી હોવાથી તેઓ હલનચલન કરી શકતા ન હતા. પત્નીની બીમારીને લઈને જયંતીલાલભાઈ સતત ચિંતિત રહેતા હતા અને આ ચિંતામાં મનોમન લાગી આવતા તેમણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવની જાણ તેમના સગા બાબુભાઈ લાલજીભાઈ બાવરવાએ તાલુકા પોલીસને કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મોરબી તાલુકાના ઘુટુ ગામની સીમમાં આવેલા હોલો સેનેટરી કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરીકામ કરતા ચંદન અરૂણભાઈ પાત્રા (ઉં.વ.25)એ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.