કારમાં આવેલા ચાર શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી છરીની અણીએ પતાવી દેવાની ધમકી આપી
મોરબી : મોરબીના જેતપર રોડ પર પાવડીયારી માર્કેટ નજીક અગાઉની મારામારી ઘટનામાં કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખીને બે વ્યક્તિ પર ચાર શખ્સોએ હુમલો કરી રૂ.24 હજારની લૂંટ ચલાવ્યાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. સ્કોર્પિયો કારમાં આવેલા ચાર શખ્સોએ બે વ્યક્તિને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ખિસ્સામાંથી રૂ.24 હજારની રોકડ પડાવીને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.
મોરબી નજીક આવેલ પાવડીયારી માર્કેટ શોપિંગ સેન્ટર પાસે રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના ફરીદભાઈ યાસીનભાઈ મેર મિંયાણા (ઉં.વ.24)એ મોરબી તાલુકા પોલીસ મથકે ઇકો રહે. માળીયા મિંયાણા, સિકલો, મુખી અને કારો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ પાવડીયારી શાક માર્કેટ પાસે ચાની કેબિન નજીક હતા ત્યારે કાળા રંગની સ્કોર્પિયો કારમાં આવેલા ચારેય શખ્સોએ તેમને તથા તેમના શેઠ ઈકબાલભાઈને ગાળો આપી હુમલો કર્યો હતો. જેમાં થોડા સમય અગાઉ ફરિયાદીના શેઠ ઈકબાલભાઈના ભાઈ તૈયબભાઈએ આરોપીઓ પૈકીના ઇકો રહે. ખીરઈ વિરુદ્ધ માળીયા પોલીસ સ્ટેશનમાં મારામારી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આ અગાઉની ફરિયાદનો ખાર રાખીને ચારેય શખ્સોએ બંને વ્યક્તિ પર હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ હુમલાખોરોએ ઢીકાપાટુ વડે માર માર્યા બાદ છરી બતાવી ફરિયાદીના ખિસ્સામાંથી મુરઘીના થડાના બે દિવસના હિસાબના રૂ.24 હજાર કાઢી લઈ લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય શખ્સો કારમાં ફરાર થઈ ગયા હતા.