Tuesday - Aug 25, 2026

મોરબીમાં 32 અબોલ પશુઓને કતલખાને ધકેલવાની મેલીમુરાદ પર પાણી ફેરવાયું

મોરબીમાં 32 અબોલ પશુઓને કતલખાને ધકેલવાની મેલીમુરાદ પર પાણી ફેરવાયું

અણિયારી-પીપળીયા નજીક બે વાહનોમાંથી પોલીસે ગૌરક્ષકોની મદદથી 29 ઘેટાં-બકરા અને 3 પાડાને બચાવ્યા ; પાંચ સામે ગુનો, ચારની ધરપકડ

મોરબી : પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોરબી તાલુકા પોલીસે ગૌરક્ષકોની મદદથી મોરબી નજીક અણિયારી અને પીપળીયા પાસે બે અલગ-અલગ સ્થળે કાર્યવાહી કરી કતલખાને લઈ જવાતા 32 અબોલ પશુઓને બચાવી લીધા હતા. પોલીસે બે વાહનો કબજે કરી કુલ પાંચ આરોપીઓ સામે પશુ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે, જેમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે અણિયારી નજીક સુપર કેરી વાહન નં. GJ-13-AX-9086ને અટકાવી તપાસ કરતા તેમાં ઘાસચારો, પાણી તેમજ હવા-ઉજાસની પૂરતી સગવડ વગર 29 ઘેટાં-બકરાંને ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઇકબાલભાઇ લાડભાઇ ભટ્ટી, અશરફભાઇ ઇકબાલભાઇ રાજાણી અને અસલમભાઇ સલીમભાઇ ભટ્ટીને ઝડપી લીધા હતા.

મોરબી-પીપળીયા રોડ પર રોકડિયા હનુમાન મંદિર નજીક પોલીસે વોચ ગોઠવી મહિન્દ્રા બોલેરો પીકઅપ નં. GJ-03-BW-5085ને અટકાવી હતી. વાહનમાં ઘાસચારા કે પાણીની સગવડ વિના ત્રણ જીવિત પાડાને લઈ જવાતા હોવાનું જણાતા પોલીસે હુશેનભાઇ ગનીભાઇ સાયબાણીને ઝડપી લીધો હતો. આ ત્રણેય પાડાની કિંમત રૂ.9 હજાર તથા અંદાજે રૂ.5 લાખની બોલેરો પીકઅપ કબજે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પશુઓ ભરી આપનાર રમજુભાઇ રાઉમાનું નામ સામે આવતા તેને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. આ બંને કાર્યવાહીમાં બચાવાયેલા તમામ 32 અબોલ પશુઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. પવિત્ર શ્રાવણ માસમાં અબોલ પશુઓને કતલખાને ધકેલવાની મેલીમુરાદ પર મોરબી તાલુકા પોલીસ અને ગૌરક્ષકોએ પાણી ફેરવી દીધું હતું. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.