Saturday - Oct 17, 2026

હળવદ પાસે બ્રાહ્મણી નદીના પટ્ટમાં ગેરકાયદે રેતી ખનન પર દરોડો: રૂ.43 લાખનાં 8 ટ્રેક્ટર સીઝ

હળવદ પાસે બ્રાહ્મણી નદીના પટ્ટમાં ગેરકાયદે રેતી ખનન પર દરોડો: રૂ.43 લાખનાં 8 ટ્રેક્ટર સીઝ

5 ટ્રેક્ટરમાં રેતી ભરેલી મળી, જ્યારે 3 ખાલી ટ્રેક્ટર પણ કબજે કરી હળવદ પોલીસ સ્ટેશનમાં મૂકાયાં

મોરબી : હળવદ તાલુકાના ચાડધ્રા ગામ નજીક બ્રાહ્મણી નદીના પટ્ટમાં સાદી રેતીનું ગેરકાયદે ખનન અને વહન થતું હોવાની કામગીરી સામે ખાણ ખનિજ વિભાગે દરોડો પાડી રૂ.43 લાખની કિંમતનાં 8 ટ્રેક્ટર સીઝ કર્યાં છે. જેમાં રેતી ભરેલાં 5 અને ખાલી 3 ટ્રેક્ટરનો સમાવેશ થાય છે. તમામ ટ્રેક્ટર હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં મૂકીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાના ભૂસ્તરશાસ્ત્રી જગદીશ એસ. વાઢેરની સૂચના મુજબ ખાણ ખનિજ વિભાગની ટીમે ચાડધ્રા ગામ નજીક બ્રાહ્મણી નદીના પટ્ટમાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન સ્થળ પરથી ગેરકાયદે સાદી રેતીના ખનન અને વહન માટે ઉપયોગમાં લેવાતાં 8 ટ્રેક્ટર મળી આવ્યાં હતાં.

તપાસ દરમિયાન પાંચ ટ્રેક્ટરમાં રેતી ભરેલી હતી. તેમાં જીજે 36 એએલ 2743, જીજે 36 એપી 7801, જીજે 36 બીબી 2663, જીજે 36 એએફ 6340 અને જીજે 36 એજે 5753 નંબરનાં ટ્રેક્ટરનો સમાવેશ થાય છે. જ્યારે જીજે 36 એપી 2183, જીજે 36 એપી 6230 અને જીજે 36 એએલ 3096 નંબરનાં ત્રણ ખાલી ટ્રેક્ટર પણ નદીના પટ્ટ વિસ્તારમાંથી મળી આવ્યાં હતાં.

ખાણ ખનિજ વિભાગે તમામ 8 ટ્રેક્ટર સીઝ કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં મૂક્યાં છે. ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ, 2017 મુજબ ગેરકાયદે ખનન અને વહનના મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.