Saturday - Oct 17, 2026

મોરબીના નાટ્યકાર મૂળજી આશારામના નાટકરૂપકો અગાઉ આજીવિકા માટે અને હવે ગૌસેવા માટે જીવંત

મોરબીના નાટ્યકાર મૂળજી આશારામના નાટકરૂપકો અગાઉ આજીવિકા માટે અને હવે ગૌસેવા માટે જીવંત

અગાઉ વ્યવસાય અને લોકરંજન માટે ભજવાતા ભરથરી સહિતના લોકપ્રિય નાટકો આજે ગૌસેવા માટે ભજવાય છે

સંસ્કારલક્ષી વ્યવસાયી રંગભૂમિને સમૃદ્ધ બનાવવામાં ઓઝા બંધુઓનું ઐતિહાસિક પ્રદાન

રવિ બરાસરા : ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં મોરબીનું નામ ગૌરવપૂર્વક લેવાય છે, જેમાં નાટ્યકાર, અભિનેતા અને દિગ્દર્શક મૂળજી આશારામ ઓઝાનું આગવું યોગદાન છે. 19મી સદીમાં ગુજરાતી નાટ્યકલા પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી હતી ત્યારે મૂળજીભાઈએ અભિનય, દિગ્દર્શન અને નાટ્યસર્જન દ્વારા રંગભૂમિને સમૃદ્ધ બનાવી હતી. તેમણે વર્ષ 1880થી નાટ્યક્ષેત્રે પદાર્પણ કર્યું હતું અને તેમના મોટા ભાઈ વાઘજી આશારામ ઓઝા સાથે ગુજરાતી નાટ્યજગતમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું હતું. વાઘજીભાઈએ સ્થાપેલી ‘મોરબી આર્યસુબોધ નાટક મંડળી’ મૂળજીભાઈની કલાસાધનાનું મહત્ત્વનું માધ્યમ બની હતી. આ મંડળીના નાટ્યપ્રયોગોમાં ઐતિહાસિક અને પૌરાણિક કથાઓ, ભાવસભર સંવાદો તથા જીવંત અભિનય દ્વારા પ્રેક્ષકોને મનોરંજન સાથે સંસ્કાર પણ મળતા હતા. તેમણે અનેક કલાકારોને તાલીમ આપી હતી, જેમાંથી કેટલાકે પોતાની નાટક મંડળીઓ સ્થાપીને રંગભૂમિની પરંપરાને આગળ વધારી હતી. તેમના દિગ્દર્શન હેઠળનાં નાટકો મુંબઈ અને વડોદરા સહિતનાં શહેરોમાં ભજવાતાં હતાં. ‘ભર્તૃહરિ’, ‘રાણકદેવી’, ‘ચાંપરાજ હાડો’ અને ‘સતી અનસૂયા’ સહિતનાં નાટકો તથા પાત્રો તેમની નાટ્યપ્રતિભાના સાક્ષી છે. હવે ડિજિટલ માધ્યમોના પ્રભાવથી પરંપરાગત રંગભૂમિ સામે પડકારો છતાં મોરબીના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રિ દરમિયાન પ્રાચીન નાટકો ભજવવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. ખાસ કરીને રાજા ભરથરી, રાણકદેવી અને સતી અનસૂયા જેવાં નાટકો આજે પણ ગૌસેવા માટે ભજવાય છે.

ભરથરીના અભિનયથી પ્રેક્ષકો રડી પડતા

‘ભર્તૃહરિ’ નાટકમાં રાજા ભર્તૃહરિ એટલે કે ભરથરીની ભૂમિકામાં મૂળજીભાઈ આશારામ ઓઝાનો અભિનય એટલો ભાવવાહી હતો કે પ્રેક્ષકો રડી પડતા હોવાની નોંધ મળે છે. એવું પણ કહેવાય છે કે તેમના અભિનયથી પ્રભાવિત થઈ કેટલાક લોકોએ સંસારત્યાગ કર્યો હતો. ભરથરીના પાત્રમાં તેઓ પગમાં સોનાનો તોડો પહેરતા હતા. આ ભૂમિકાને કારણે જ તેઓ ‘ભરથરી’ તરીકે લોકપ્રિય બન્યા હતા.

મૂળજીભાઈની નાટ્યસાધનાની ઝલક

મૂળજીભાઈ મુત્સદ્દી અને ઉત્તમ દિગ્દર્શક હતા. તેમણે અનેક કલાકારોને નાટ્યકલાની તાલીમ આપી હતી. તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા કેટલાક કલાકારોએ પોતાની નાટક મંડળીઓ સ્થાપી હતી. તેમાં નાનામોટા ત્રંબકની ‘શ્રી વાંકાનેર આર્યહિતવર્ધક નાટક મંડળી’, લવજી ‘સુરદાસે’ની ‘સૂરવિજય નાટક મંડળી’, પ્રાણશંકર આચાર્યની ‘આર્યવિજય નાટક સમાજ’, અલારખા મીરની ‘સોરઠ ભાગ્યોદય નાટક મંડળી’ અને ગોવિંદજી પ્રાણજીવન ભટ્ટની ‘નરહરિ પ્રાસાદિક નાટક મંડળી’નો સમાવેશ થાય છે. તેમણે કેટલાંક નાટકો પણ લખ્યાં હતાં. તેમના દિગ્દર્શન હેઠળનાં નાટકો મુખ્યત્વે મુંબઈ અને વડોદરામાં ભજવાતાં હતાં.

મૂળજીભાઈના જાણીતા નાટકો અને પાત્રો

મૂળજીભાઈ આશારામ ઓઝાએ ‘ભર્તૃહરિ’માં ભર્તૃહરિ (1880), ‘ચાંપરાજ હાડો’માં ચાંપરાજ (1887), ‘રાણકદેવી’માં સિદ્ધરાજ (1891), ‘જગદેવ પરમાર’માં શ્રીધર પાળ (1892), ‘ત્રિવિક્રમ’માં સુભટ સેન (1893), ‘ચંદ્રહાસ’માં કૌતલરાય (1894), ‘વીરબાળા’માં જયસિંહ (1896), ‘દેવયાની’માં કમલાકર (1899), ‘સતી અનસૂયા’માં ઇન્દ્ર (1908) અને ‘સુકન્યા-સાવિત્રી’માં યયાતિ (1910) જેવી ભૂમિકાઓ ભજવી હતી. તેમના મોટા ભાઈ વાઘજીભાઈ આશારામ ઓઝા ‘મોરબી આર્યસુબોધ નાટક મંડળી’ના માલિક અને નાટ્યલેખક હતા.