Tuesday - Oct 27, 2026

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ અને વ્યાસ સમાજના શરદોત્સવમાં રાસ-ગરબાની રમઝટ

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ અને વ્યાસ સમાજના શરદોત્સવમાં રાસ-ગરબાની રમઝટ

પરશુરામ યુવા ગ્રુપના મહારાસોત્સવમાં દીકરીઓએ તલવાર રાસ રજૂ કર્યો તો વ્યાસ શરદોત્સવમાં આદિયોગીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

મોરબી : શરદપૂર્ણિમાના પાવન અવસરે મોરબીમાં બ્રહ્મ સમાજના વિવિધ સંગઠનો દ્વારા શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂર્ણિમા મહારાસોત્સવ-2026 યોજાયો હતો, જ્યારે સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ અને સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ યુવા સંગઠનના સંયુક્ત ઉપક્રમે ‘વ્યાસ શરદોત્સવ’નું આયોજન કરાયું હતું. બંને ઉત્સવોમાં મોટી સંખ્યામાં ભૂદેવ પરિવારો ઉમટી પડ્યા હતા અને પરંપરાગત રાસ-ગરબાની રમઝટ સાથે સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખી હતી.

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા બ્રહ્મ સમાજ માટે શરદપૂર્ણિમા મહારાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે રાત્રે ઉમા ટાઉનશીપની સામે અને ભારતી વિદ્યાલય પાસે આવેલા માં નવરાત્રિના ગ્રાઉન્ડમાં યોજાયેલા આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભૂદેવ પરિવારો સહભાગી બન્યા હતા. ખાસ કરીને પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને આવેલી દીકરીઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. આ મહારાસોત્સવમાં દીકરીઓ દ્વારા માત્ર ચાર દિવસની પ્રેક્ટિસ બાદ તૈયાર કરવામાં આવેલો તલવાર રાસ રજૂ કરાયો હતો, જેને ઉપસ્થિત લોકોએ નિહાળ્યો હતો. ઉપરાંત, રાસોત્સવમાં ભાગ લેનાર દીકરીઓને આયોજકો દ્વારા વિવિધ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. 

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ અને વ્યાસ સમાજના શરદોત્સવમાં રાસ-ગરબાની રમઝટ
મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ અને વ્યાસ સમાજના શરદોત્સવમાં રાસ-ગરબાની રમઝટ

જ્યારે સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિ તથા સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ યુવા સંગઠન દ્વારા વાવડી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ‘વ્યાસ શરદોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં મોરબી ઉપરાંત રાજકોટ, ગોંડલ અને જામનગર સહિતના શહેરોમાંથી વ્યાસ સમાજના પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત સમાજના વડીલો દ્વારા સામૂહિક માતાજીની આરતી સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ વ્યાસ જ્ઞાતિના જ પાંચ ગાયક કલાકારોએ સુમધુર ગરબાની રમઝટ બોલાવી હતી. પરંપરાગત અને આધુનિક ગરબાના તાલે બાળકોથી લઈને યુવાનો અને વડીલો સુધી સૌ કોઈ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા. ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા આયોજકો દ્વારા સમયાંતરે સરપ્રાઇઝ ગિફ્ટ આપવામાં આવી હતી. કાર્યક્રમને યાદગાર બનાવવા સ્થળ પર વિવિધ આકર્ષક સેલ્ફી પોઇન્ટ તૈયાર કરાયા હતા, જ્યારે ભવ્ય આદિયોગીની પ્રતિમા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી.