કિશોરીઓનું આરોગ્ય પરીક્ષણ કરી માસિક સ્વચ્છતા, પોષણ અને પૂર્ણા યોજના અંગે માર્ગદર્શન અપાયું; હાઇજિન કીટનું વિતરણ કરાયું
મોરબી : ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આઈ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે માળીયા ઘટક કક્ષાએ કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિશોરીઓના આરોગ્ય, સ્વચ્છતા, પોષણ અને સર્વાંગી વિકાસને લગતી વિવિધ બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મેળામાં ઉપસ્થિત કિશોરીઓનું વજન, ઊંચાઈ, બોડી માસ ઇન્ડેક્સ (BMI) અને હિમોગ્લોબિન સહિતનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ માસિક ધર્મની કુદરતી પ્રક્રિયા, વ્યક્તિગત સ્વચ્છતા, સેનિટરી પેડના યોગ્ય ઉપયોગ અને તેના સુરક્ષિત નિકાલ અંગે સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત પૂર્ણા યોજના અંતર્ગત પૂરક પોષણ આહાર, કિશોરાવસ્થામાં થતા શારીરિક ફેરફારો, એનિમિયા નિવારણ, કાયદાકીય અધિકારો અને જીવન કૌશલ્ય અંગે માહિતી આપવામાં આવી હતી. ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજનાના હેતુ અને તેની કામગીરીથી પણ કિશોરીઓને વાકેફ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે તમામ કિશોરીઓને માસિક સ્વચ્છતા માટેની હાઇજિન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ મેળામાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, દહેજ પ્રતિબંધક અધિકારી-સહ-રક્ષણ અધિકારી સીમાબેન શિંગાળા, જિલ્લા કો-ઓર્ડિનેટર મયુરભાઈ સોલંકી, કમ્યુનિટી હેલ્થ ઓર્ગેનાઇઝર સુનિલભાઈ લઢેર, પૂર્ણા કન્સલ્ટન્ટ દક્ષાબેન, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકરો તેમજ પૂર્ણા યોજના અને બાલિકા પંચાયત સાથે જોડાયેલી કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.