Tuesday - Oct 27, 2026

વવાણિયામાં લગ્ન પ્રસંગના મનદુઃખમાં બે પરિવારો વચ્ચે શસસ્ત્ર અથડામણ : સામસામે ફરિયાદ

વવાણિયામાં લગ્ન પ્રસંગના મનદુઃખમાં બે પરિવારો વચ્ચે શસસ્ત્ર અથડામણ : સામસામે ફરિયાદ

મસ્જિદ પાસે બનેલી ઘટનામાં બંને પક્ષના લોકોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા, ત્રણ મહિલા સહિત 17 સામે અને બીજા પક્ષના 6 મહિલા સહિત 14 વ્યક્તિ સામે ગુનો નોંધાયો

મોરબી : માળીયા (મી) તાલુકાના વવાણિયા ગામે મસ્જિદ પાસે લગ્ન પ્રસંગને લઈને છેલ્લા ત્રણેક વર્ષથી ચાલતા પારિવારિક મનદુઃખનો ખાર રાખીને બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના બની હતી. બંને પક્ષે સામસામે હથિયારો સાથે હુમલો કર્યાની માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનામાં ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે અલગ-અલગ ગુના નોંધીને કુલ 31 વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા અને આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં મદીના સોસાયટીમાં પવિત્ર કૂવા પાસે રહેતા કાસમભાઈ દાઉદભાઈ બુચડ (ઉં.વ. 41)એ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં હનીફભાઈ જુસબભાઈ ભટ્ટી, સબીરભાઈ જુસબભાઈ ભટ્ટી, અનવરભાઈ ભટ્ટી, મહમદભાઈ યુસુફભાઈ ભટ્ટી, જાકુબ નુરમામદ ભટ્ટી, રફિકભાઈ નુરમામદ ભટ્ટી, સલીમ નુરમામદ ભટ્ટી, અબ્રાહમ ઓસમાણભાઈ ભટ્ટી, દાઉદ અબ્રાહમભાઈ ભટ્ટી, રસીદ દાઉદભાઈ ભટ્ટી, અનવર જુસબભાઈ કચ્ચા, રહીમભાઈ મુસાભાઈ ભટ્ટી, આબિદ રહીમભાઈ ભટ્ટી, અમિનાબેન ઓસમાણભાઈ ભટ્ટી, આયસાબેન દાઉદભાઈ ભટ્ટી અને હાજરાબેન જુસબભાઈ કચ્ચા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓ સાથે ફરિયાદી અને સાહેદોને છેલ્લા ત્રણેક વર્ષથી લગ્ન પ્રસંગ બાબતે પારિવારિક મનદુઃખ ચાલતું હતું. આ કારણોસર બંને પરિવારો વચ્ચે બોલવાનો પણ સંબંધ રહ્યો ન હતો. દરમિયાન વવાણિયા ગામે મસ્જિદ પાસે આરોપીઓ એકઠા થયા હતા અને લોખંડના પાઇપ, ધારિયાં, ટામી તથા છરી જેવાં હથિયારો સાથે ફરિયાદી અને સાહેદો પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ગાળો આપી મારામારી કરવામાં આવી હતી. સલીમ ભટ્ટીએ ફરિયાદી કાસમભાઈને લોખંડના પાઇપ વડે પગના ભાગે માર માર્યો હતો, જ્યારે અન્ય આરોપીઓએ ફરિયાદી તથા સાહેદો સાથે ઝઘડો કરી મારામારી કરી હોવાની ફરિયાદમાં વિગતો દર્શાવવામાં આવી છે.

આ ઘટનામાં ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ કાસમભાઈ બુચડની ફરિયાદના આધારે પોલીસે ત્રણ મહિલા સહિત કુલ 17 વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

બીજી તરફ, મોરબીની મદીના સોસાયટીમાં રોયલ પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા રહીમભાઈ મુસાભાઈ ભટ્ટી (ઉં.વ. 46)એ પણ માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં સામા પક્ષના 14 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં મામદભાઈ કાસુભાઈ બુચડ, જીતુબેન મામદભાઈ બુચડ, ફિરોજભાઈ મામદભાઈ બુચડ, સલમાબેન ફિરોજભાઈ બુચડ, કાસમભાઈ દાઉદભાઈ બુચડ, હસીનાબેન કાસમભાઈ બુચડ, હનીફભાઈ દાઉદભાઈ બુચડ, સકીનાબેન હનીફભાઈ બુચડ, અમીનાબેન દાઉદભાઈ બુચડ, રફીકભાઈ મુસાભાઈ બુચડ, રૂકશાનાબેન રફિકભાઈ બુચડ, ફરીદાબેન સબીરભાઈ નોબે, કાસમભાઈ ઓસમાણભાઈ ટાંક અને મરિયમબેન ઓસમાણભાઈ ટાંકનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ મોરબીના રહેવાસી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

રહીમભાઈએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, તેમને તથા સાહેદોને પણ છેલ્લા ત્રણેક વર્ષથી લગ્ન પ્રસંગ બાબતે પારિવારિક મનદુઃખ ચાલતું હતું અને બંને પરિવારો વચ્ચે બોલવાનો વ્યવહાર બંધ હતો. આ દરમિયાન વવાણિયા ગામે મસ્જિદ પાસે ફરિયાદી અને સાહેદો હાજર હતા ત્યારે સામા પક્ષના આરોપીઓ લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા જેવાં હથિયારો લઈને ત્યાં આવ્યા હતા અને હુમલો કરી મારામારી કરી હતી.

ફરિયાદ મુજબ, હનીફભાઈએ રહીમભાઈને લાકડાના ધોકા વડે ડાબા હાથની આંગળી પર માર માર્યો હતો. જ્યારે કાસમભાઈએ હાજરાબેનને લોખંડના પાઇપ વડે માથામાં માર મારી ઇજા પહોંચાડી હતી. રફિકભાઈએ અનવરભાઈને પણ લોખંડના પાઇપ વડે માર મારી ઇજા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે રહીમભાઈની ફરિયાદના આધારે પોલીસે છ મહિલા સહિત કુલ 14 વ્યક્તિઓ સામે અલગ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે.

આમ, વવાણિયા ગામે વર્ષોથી ચાલતા પારિવારિક મનદુઃખને પગલે થયેલી મારામારીના બનાવમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ફરિયાદના આધારે અલગ-અલગ ગુના નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.