બંને પરિવારોએ ધોકા, ઢીકા પાટુ અને ઈંટોના ઘા કરી એકબીજાને ઇજાઓ કર્યાની ફરિયાદ
વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા બે ભાઈઓના પરિવાર વચ્ચે ઘરમાંથી પાણી લીકેજ થવા મામલે બોલાચાલી થયા બાદ બન્ને પરિવાર સામસામે આવી જઈ ધોકા, ઢીકા પાટુ અને ઈંટોના ઘા કરી એકબીજાને ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં સામસામી ફરીયાદ નોંધાઇ છે.
વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા શાકભાજીના ધંધાર્થી ફરિયાદી દિનેશભાઇ કેશુભાઈ ભોજવીયાએ આરોપી કંચનબેન ઝવેરભાઈ ભોજવીયા, ઝવેરભાઈ રાયસિંગભાઈ ભોજવીયા,જયંતિ રાયસિંગભાઈ ભોજવીયા અને અજય ઝવેરભાઈ ભોજવીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યુ હતું કે,તેમના ઘરમાંથી બાજુમાં રહેતા તેમના કાકાના ઘરમાં પાણી ઉતરતું હોય જે આરોપીઓને સારું નહિ લાગતા સાહેદ જ્યોતિબેનને વાળ પકડી પછાડી દઈ લાકડાના ધોકા વડે સાહેદ રાજેશને માર માર્યો હતો.
સામાપક્ષે ઝવેરભાઈ રાયસિંગભાઈ ભોજવીયાએ આરોપી જ્યોતિબેન રાજેશભાઇ ભોજવિયા, દિનેશભાઇ કેશુભાઈ ભોજવીયા, રાજેશ કેશુભાઈ ભોજવીયા અને રોહિત કેશુભાઈ ભોજવીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીના ઘરમાંથી ફરિયાદીની દીવાલમાં પાણી આવતું હોય જેથી દીવાલમાં લીકેજ રીપેર કરાવવાનું કહેતા આરોપીઓએ ગાળો આપી છુટા ઈટોના કટકાના ઘા કરી સાહેદ મેહુલભાઈ, પૂજાબેન અને સંજયને ઢીકા પાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.