મોરબી : મોરબીમાં વન વિક વન રોડ ઝુંબેશ હેઠળ આજે મહાપાલિકાનું બુલડોઝર ફરી સામાકાંઠે ફરી વળ્યું હતું જેમાં નટરાજ ફાટક અને વેજીટેબલ રોડ, લાલબંગ પાસે ખડકાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અનેક ખાણી-પીણીના છાપરા તોડી પડાયા હતા.
મહાપાલિકા દ્વારા છેલ્લા ઘણા અઠવાડિયાથી વન વિક વન રોડ ઝુંબેશ હેઠળ શહેરના મુખ્ય રોડને દબાણ મુક્ત બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં આજે સામાકાંઠે નટરાજ ફાટક અને વેજીટેબલ રોડનો વારો લેવામાં આવ્યો છે. આ રોડ ઉપર સવારથી દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ખાસ કરીને ખાણી-પીણીના જે દબાણો હતા તેને તોડવામાં આવ્યા હતા. નટરાજ ફાટક, લાલબાગ અને વેજીટેબલ રોડ ઉપર જેટલા ગેરકાયદે દબાણો હતા તેના ઉપર બુલડોઝર ફરીને હટાવવામાં આવ્યા હતા. આ મામલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે આ રોડ ઉપર દબાણોનો કારણે રોડની પહોળાઇ ઘટી ગઈ હતી. દબાણો દૂર થતાં હવે રોડની પહોળાઈ વધી છે જેથી ટ્રાફિકના પ્રશ્નો દૂર થશે. કેનાલ રોડ સહિતના રોડ મહાપાલિકાએ જે 24 રૂટ નક્કી કર્યા તેમાં આવે છે. 24 અઠવાડિયાનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. જેમાં દર અઠવાડિયે એક રોડ ઉપર દબાણ દૂર કરવામાં આવશે. અંતમાં મ્યુનિસિપલ કમિશનરે લોકોને અપીલ કરી હતી કે જો કોઈ કાચું કે પાકું દબાણ હોય તો મહાપાલિકા આજે નહિ તો કાલે દબાણ હટાવવાની જ છે. એટલે લોકો સ્વેચ્છાએ દબાણ હટાવે તો મહાપાલિકાને સરળતા રહેશે.