Saturday - May 16, 2026

હળવદમાં કારખાનામાંથી કેમિકલયુક્ત પાણીનો જાહેર નિકાલ કરવો ભારે પડ્યો, 3 સામે ગુનો દાખલ

હળવદમાં કારખાનામાંથી કેમિકલયુક્ત પાણીનો જાહેર નિકાલ કરવો ભારે પડ્યો, 3 સામે ગુનો દાખલ

જન આરોગ્ય અને પશુઓના આરોગ્ય સામે ગંભીર ચેડા થતા હોવાનુ ખુલતા કાયદેસરની કાર્યવાહી કરાઈ

મોરબી : હળવદ તાલુકાના કોયબા ગામમાં આવેલી કેમ્પ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાંથી આજુબાજુના ખુલ્લા ખેતરોમાં કેમિકલયુક્ત ઝેરી પાણી છોડવાના મામલે સીઆઇડી ક્રાઇમે સપાટો બોલાવ્યો છે. માનવ જિંદગી અને પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ ફેક્ટરીના ત્રણ ભાગીદારો સામે બી.એન.એસ.ની કલમ ૨૭૦, ૨૭૧, ૨૭૨ અને ૫૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગરના ડીટેક્ટીવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિરૂધ્ધ ચતુરદાન ઇશરાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, હળવદના કોયબા ગામમાં સર્વે નં.૨૭૦ પૈકી-૦૨ માં આવેલી 'કેમ્પ્રો ઇન્ડસ્ટ્રીઝ' (GST No. 24AARFC7807N1ZV) માંથી નિકળતું કેમિકલયુક્ત પાણી આજુબાજુના ખુલ્લા ખેતરો અને જમીનમાં છોડવામાં આવતું હતું. આ ફેક્ટરીમાં સિલિકાનું ઉત્પાદન થતું હોવાનું માલિકોએ તપાસ દરમિયાન જણાવ્યું હતું.

તપાસ દરમિયાન પાણીના નમૂના લઈ એફ.એસ.એલ.માં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. એફ.એસ.એલ. અધિકારી એમ.એમ.શાહના રિપોર્ટમાં આ પાણીના નમૂનામાં હાઇડ્રોજન અને ક્લોરાઇડના મુક્તમુલકોની હાજરી મળી આવી હતી. આ હાઇડ્રોક્લોરિક એસિડના ઘટકોવાળું ગંદુ પાણી જાહેર જમીન પર છોડવાથી માનવ અને પશુઓની જીંદગી માટે જોખમકારક છે. તેમજ આજુબાજુની જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણને નુકશાન થાય તેમ જાણતા હોવા છતાં ફેક્ટરીના માલિકો દ્વારા આ ગંભીર કૃત્ય કરવામાં આવ્યું હતું. આ ગંભીર બેદરકારી અને ગુનાહિત કૃત્ય બદલ નીચે મુજબના ત્રણ આરોપીઓ વિરુદ્ધ સીઆઇડી ક્રાઇમ રાજકોટ ઝોન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં અલ્પેશભાઇ અંબારામભાઇ વશીયાણી (રહે. લુણસર, મોરબી) સંજયભાઇ અમરશીભાઇ પટેલ (રહે. અજીતગઢ, તા. હળવદ, જિ. મોરબી) અને વિજય જસમતભાઇ પટેલ (રહે. જુના દેવળીયા, તા. હળવદ, જિ. મોરબી)નો સમાવેશ થાય છે. આ સમગ્ર મામલે ૦૬/૦૩/૨૦૨૬ ના રોજ સત્તાવાર રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેકટર અશરફખાન યુસુફખાન બલોચ ચલાવી રહ્યા છે.