Sunday - May 17, 2026

મોરબીમાં વેરો ભરવામાં ઉદાસીન આસામીઓની 108 મિલકતો સીલ

મોરબીમાં વેરો ભરવામાં ઉદાસીન આસામીઓની 108 મિલકતો સીલ

મહાનગરપાલિકા દ્વારા 1275.બાકીદારો વોરંટ ઈસ્યુ કરાયું

મોરબી : મોરબી મનપાએ વર્ષ 2025-26 માટે પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર બાકીદારો સામે કડક કાર્યવાહી કરી છે. જેમાં મનપકની મિલકતવેરા શાખાએ અત્યાર સુધીમાં વેરો ન ભરનાર કુલ 1275 આસામીઓને વોરંટ ઇસ્યુ કરી નોટિસ ફટકારી છે. વેરા વસૂલાતની કડક ઝુંબેશ અંતર્ગત 108 બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવી છે. આ પૈકી 42 બાકીદારોએ વેરાની રકમ ભરપાઈ કરતા તેમની મિલકતોના સીલ ખોલવામાં આવ્યા છે. જ્યારે હાલમાં 64 મિલકતો હજુ પણ સીલ કરાયેલી છે. રહેણાક મિલકતમાં વેરો ભરપાઈ ન કરનાર 2 આસામીઓના નળ કનેક્શન પણ કાપવામાં આવ્યા છે. આ સીલિંગ અને વોરંટ બજવણીની કામગીરી દરમિયાન શહેર વિસ્તારમાંથી કુલ 27.37 કરોડ રૂપિયા અને વિવિધ ક્લસ્ટર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી 2.57 કરોડ રૂપિયાની આવક થઈ છે.

હજુ વેરો નહીં ભરો તો વ્યાજ ચૂકવવું પડશે

મનપાએ વેરો ભરવામાં ઉદાસીન આસમીઓને તાકીદ કરી છે કે આગામી સમયમાં જે રહેણાંક મિલકતોનો 10,000 રૂપિયાથી વધુનો મિલકત વેરો બાકી હશે, તેવા આસામીઓને રૂબરૂ તેમજ મોબાઈલ દ્વારા વોરંટ અપાશે. જો ત્યારબાદ પણ ટેક્સ ભરપાઈ કરવામાં નહીં આવે તો તેવી રહેણાક મિલકતોના નળ અને ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવશે. મિલકતવેરા શાખાની આ વોરંટ બજવણી અને સીલિંગની કાર્યવાહી 31 માર્ચ સુધી યથાવત રહેશે. જો મિલકતધારકો ટેક્સ નહીં ભરે તો બાકી મિલકત વેરા પર 18 ટકા વ્યાજ પણ લગાવાશે.