Saturday - Sep 26, 2026

ખેડૂતોની ગેરહાજરીમાં જમીનની કિંમત નક્કી કરવાની શરત સામે વિરોધ, અંતે કલેક્ટરની ખાતરીથી મામલો થાળે

ખેડૂતોની ગેરહાજરીમાં જમીનની કિંમત નક્કી કરવાની શરત સામે વિરોધ, અંતે કલેક્ટરની ખાતરીથી મામલો થાળે

MRC નોટિસમાં ખેડૂતો હાજર ન રહે તો તંત્ર વેલ્યુઅર મારફતે જમીનનું મૂલ્યાંકન કરશે તેવી જોગવાઈ સામે વાંધો ; જરૂર પડે તો 14 દિવસનો સમય આપવા કલેક્ટરની ખાતરી

મોરબી : મોરબી જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતોને રેવન્યુ તલાટી મારફતે પાઠવાયેલી MRC એટલે માર્કેટ રેટ કમિટીની નોટિસમાં ખેડૂતોની ગેરહાજરીમાં જમીનની કિંમત નક્કી કરવાની જોગવાઈ સામે રોષ ફેલાયો હતો. તા.23ના રોજ મળેલી નોટિસમાં તા.25ની MRC બેઠકમાં ખેડૂતો હાજર ન રહે તો વહીવટી તંત્ર વેલ્યુઅર નીમી જમીનની કિંમત નક્કી કરી શકે તેવી શરતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેને લઈને ખેડૂતો દ્વારા આ જોગવાઈ સામે વાંધો ઉઠાવી કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી.

ખેડૂત આગેવાનોએ કલેક્ટર કચેરીએ રજૂઆત દરમિયાન જણાવ્યું હતું કે અગાઉ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા 4-7નો પરિપત્ર જાહેર કરી ખેડૂતોને MRC પ્રક્રિયામાં પ્રતિનિધિત્વ અને પોતાની જમીનના મૂલ્યના નિર્ધારણમાં ભાગીદારીની ખાતરી આપવામાં આવી હતી. ત્યારે ખેડૂતો ગેરહાજર રહે તો તંત્ર દ્વારા એકતરફી રીતે જમીનની કિંમત નક્કી કરવાની વાત કયા કાયદા કે નિયમ હેઠળ કરવામાં આવી રહી છે તે અંગે લેખિત સ્પષ્ટતા કરવાની માંગ કરવામાં આવી હતી.

ખેડૂતોની ગેરહાજરીમાં જમીનની કિંમત નક્કી કરવાની શરત સામે વિરોધ, અંતે કલેક્ટરની ખાતરીથી મામલો થાળે

ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, આ મુદ્દે ખેડૂતો અગાઉ પણ રજૂઆત કરી ચૂક્યા છે અને જરૂર પડે તો ગાંધીચીંધ્યા માર્ગે લડત ચાલુ રાખવામાં આવશે. તેમજ ન્યાય માટે આગામી સમયમાં સમાજની માતૃ સંસ્થાઓનો સહયોગ મેળવવાની પણ તૈયારી દર્શાવવામાં આવી હતી.

ખેડૂતો દ્વારા પ્રથમ પ્રાંત અધિકારી અને ત્યારબાદ કલેક્ટરને લેખિત વાંધા અરજી સુપરત કરવામાં આવી હતી. કલેક્ટરે ખેડૂતોની રજૂઆત સાંભળી સમગ્ર બાબતે લેખિત સ્પષ્ટતા આપવાની ખાતરી આપી હતી. સાથે જ જણાવાયું હતું કે નોટિસનો હેતુ ખેડૂતોને એક મંચ પર બોલાવી તેમની રજૂઆત સાંભળવાનો છે. ખેડૂતોને તૈયારી માટે સમય ઓછો પડ્યો હોય તો જરૂરિયાત મુજબ વધુ 14 દિવસનો સમય આપી ફરીથી રજૂઆતની તક આપવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. કલેક્ટરની ખાતરી બાદ હાલના તબક્કે મામલો થાળે પડ્યો હતો.