એલ.ઈ. કોલેજમાં તાલીમ દરમિયાન ઇમરજન્સીમાં ગભરાયા વગર પ્રાથમિક સારવાર આપી જીવ બચાવવા માર્ગદર્શન
મોરબી : મોરબી-2 સ્થિત એલ.ઈ. એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે આજે જીવનરક્ષક પ્રાથમિક સારવારની પ્રાયોગિક તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ તાલીમમાં વિદ્યાર્થીઓને હૃદયના ધબકારા બંધ થઈ જાય અથવા વ્યક્તિ બેભાન થઈ જાય ત્યારે સમયસર યોગ્ય મદદ કેવી રીતે પહોંચાડવી, તબીબી સહાય મળે ત્યાં સુધી કયા પગલાં લેવા અને છાતી પર દબાણ આપીને હૃદય-ફેફસાંની કામગીરી ચાલુ રાખવાની પદ્ધતિ અંગે પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન પ્રશિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને હૃદય-ફેફસાં પુનઃસંચાલન સીપીઆર અને પ્રાથમિક જીવનરક્ષક સહાય અંગે સમજ આપવામાં આવી હતી. કોઈ વ્યક્તિ અચાનક બેભાન થઈ જાય ત્યારે સૌપ્રથમ સ્થળની સલામતી તપાસવી, વ્યક્તિના પ્રતિભાવ અને શ્વાસનું મૂલ્યાંકન કરવું તેમજ તાત્કાલિક તબીબી સહાય માટે જાણ કરવી જેવી બાબતો સમજાવવામાં આવી હતી.
છાતી પર યોગ્ય રીતે દબાણ આપવાની પદ્ધતિનું નિદર્શન
કોઈપણ ઇમરજન્સીના સમયેબવ્યક્તિને તાત્કાલિક મદદની જરૂર હોય ત્યારે ગભરાયા વગર બચાવની કામગીરી કેવી રીતે કરવી તેની સઘન તાલીમ આપવામાં આવી હતી. તેમજ સલામતીના યોગ્ય પગલાં લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રશિક્ષકોએ છાતી પર યોગ્ય રીતે દબાણ આપવાની પદ્ધતિનું નિદર્શન કર્યું હતું. બાદ વિદ્યાર્થીઓ પાસે તાલીમ માટેના માનવ શરીરના નમૂના પર પ્રાયોગિક અભ્યાસ પણ કરાવવામાં આવ્યો હતો, જેથી તેઓ માત્ર સૈદ્ધાંતિક માહિતી નહીં પરંતુ જરૂરિયાતના સમયે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ સમજી શકે.
પોતાની અને આસપાસના લોકોની સલામતી સુનિશ્ચિત કરવી
તાલીમમાં જીવનરક્ષક સહાય આપતી વખતે અસરગ્રસ્તો બચાવવાના ચાર મુખ્ય પાસાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સૌપ્રથમ પોતાની અને આસપાસના લોકોની સલામતી સુનિશ્ચિત કરવી, ત્યારબાદ અસરગ્રસ્ત વ્યક્તિના પ્રતિભાવ અને શ્વાસનું પ્રાથમિક મૂલ્યાંકન કરવું, તાત્કાલિક તબીબી સહાય માટે જાણ કરવી અને તાલીમ મુજબ યોગ્ય સીપીઆર અથવા પ્રાથમિક સારવાર આપવી જેવી બાબતોનો સમાવેશ થાય છે. કોલેજના વિદ્યાર્થીઓએ તાલીમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તાલીમનો હેતુ વિદ્યાર્થીઓને આકસ્મિક પરિસ્થિતિમાં સમયસર પ્રાથમિક મદદ પહોંચાડવા સક્ષમ બનાવવાનો હતો. સમયસર અને યોગ્ય પ્રાથમિક સારવાર વ્યક્તિનો જીવ બચાવવામાં મહત્ત્વપૂર્ણ બની શકે છે તે સંદેશ સાથે તાલીમ પૂર્ણ થઈ હતી.