મોરબી:છેલ્લા ૧૩ વર્ષથી સ્લમ વિસ્તારના બાળકો માટે કાર્યરત ‘મેંગોપીપલ પરિવાર’ દ્વારા મહિલા સ્વાસ્થ્ય અને જાગૃતિ અર્થે ચલાવવામાં આવતો અનોખો ‘પ્રોજેક્ટ મુસ્કાન’ સફળતાપૂર્વક ૯મા વર્ષમાં પ્રવેશ્યો છે.
આ નિમિત્તે મોરબીના શનાળા રોડ સ્થિત ગોકુલનગર સરકારી પ્રાથમિક શાળાની જરૂરિયાતમંદ દીકરીઓ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દીકરીઓને શારીરિક સ્વચ્છતા અંગે સાચી સમજ આપવા સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન 'પ્રોજેક્ટ મુસ્કાન'ના ફાઉન્ડર રૂપલબેન રાઠોડ દ્વારા માસિક ધર્મ જેવા સંકોચ ધરાવતા વિષય પર દીકરીઓને સરળ અને સહજ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ગંદા કપડાના ઉપયોગથી થતા સ્વાસ્થ્ય સંબંધિત નુકસાન અને સેનેટરી પેડના મહત્વ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
શાળાના આચાર્ય વિનોદભાઈ ગોધાણી તેમજ સમગ્ર સ્ટાફે મેંગોપીપલ પરિવારના મોભી મનીષભાઈ રાઠોડ અને રૂપલબેન રાઠોડની આ પવિત્ર સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મેંગોપીપલ પરિવાર છેલ્લા ૧૩ વર્ષથી ગરીબ બાળકો માટે ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવે છે, તેમજ છેલ્લા ૯ વર્ષથી 'પ્રોજેક્ટ મુસ્કાન' હેઠળ રાજકોટ, જામનગર, વાંકાનેર અને મોરબીની હજારો દીકરીઓને સ્વાસ્થ્ય સુરક્ષા અને સેનેટરી પેડ્સ પૂરા પાડી રહ્યું છે.
(સંસ્થાની પ્રવૃત્તિઓમાં સહભાગી થવા કે વધુ માહિતી માટે આપ સંપર્ક કરી શકો છો તેવું પ્રેસ યાદીમાં જણાવ્યું છે: મનીષભાઈ રાઠોડ - 9276007786)