ઉપરવાસમાં સારા વરસાદથી જિલ્લાના 10 મુખ્ય ડેમોનું નવા નિરની જોરદાર આવકથી ઉજળું ચિત્ર
મોરબી : મોરબી જિલ્લામાં ગતરાત્રીથી અવિરતપણે વરસતા ધોધમાર વરસાદથી જિલ્લાના દસેય ડેમોનું ઉજળું ચિત્ર સામે આવ્યું હતું. જે ડેમો તળિયા ઝાટક થવાની અણી ઉપર હતા. એ ડેમોમાં ઉપરવાસમાં સારા વરસાદથી નવા નિરની નોંધપાત્ર આવક થઈ રહી છે. તેમાંય મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમાં હાલ 40.48 ટકા જળસંગ્રહ છે અને તેમાં 1,474 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે. હાલ વરસાદ ચાલુ હોય હજુ ડેમોમાં વધુ સારી નવા નિરની આવક થવાની સભાવના સિંચાઈ વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.
મોરબી ફ્લડ સેલના આંકડા મુજબ મચ્છુ-2 ડેમના કેચમેન્ટ વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન 32 મીમી વરસાદ નોંધાયો છે. હાલ ડેમમાં 1,474 ક્યુસેક પાણીની આવક સામે 580 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે, જ્યારે ડેમના દરવાજા બંધ રાખવામાં આવ્યા છે.
મચ્છુ-1 ડેમમાં છેલ્લા 24 કલાકમાં 57 મીમી વરસાદ નોંધાયો છે. હાલ તેમાં 397.20 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને જળસંગ્રહ 20.26 ટકા થયો છે.
મચ્છુ-3 ડેમમાં 49 મીમી વરસાદ બાદ 220 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમ 56.13 ટકા ભરાયો છે. ઘોડાધ્રોઇ ડેમમાં 53 મીમી વરસાદ સાથે 259 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે અને જળસંગ્રહ 46.32 ટકા સુધી પહોંચ્યો છે.
બ્રાહ્મણી-1 ડેમમાં છેલ્લા 24 કલાકમાં 65 મીમી વરસાદ નોંધાયો છે. હાલ તેમાં 300 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને જળસંગ્રહ 25.49 ટકા થયો છે. જ્યારે બ્રાહ્મણી-2 ડેમમાં 421 ક્યુસેક પાણીની આવક અને એટલી જ જાવક ચાલુ છે. ડેમમાં 57.33 ટકા જળસંગ્રહ નોંધાયો છે અને એક દરવાજો ત્રણ ઇંચ ખોલવામાં આવ્યો છે.
ડેમી-2 ડેમમાં 35 મીમી વરસાદ બાદ જળસંગ્રહ 15.01 ટકા છે. ડેમી-1 ડેમમાં 60 મીમી વરસાદ સાથે 65.28 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને જળસંગ્રહ 1.95 ટકા છે. બંગાવડી ડેમમાં 6.20 ટકા અને ડેમી-3 ડેમમાં 0.68 ટકા જળસંગ્રહ નોંધાયો છે. ડેમી-3 સહિત મોટાભાગના નાના ડેમોમાં હાલ પાણીની જાવક નથી.
જિલ્લામાં વરસાદનો દોર યથાવત રહેતાં આગામી દિવસોમાં ડેમોના જળસંગ્રહમાં વધુ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.