Saturday - May 16, 2026

મોરબીના પ્રજાકીય પ્રશ્નો મુદ્દે રજૂઆત સ્ટ્રીટ લાઈટ, ખરાબ રસ્તા અને કોમ્યુનિટી હોલની સુવિધા આપવા ઉઠતી માંગ.

મોરબીના પ્રજાકીય પ્રશ્નો મુદ્દે રજૂઆત સ્ટ્રીટ લાઈટ, ખરાબ રસ્તા અને કોમ્યુનિટી હોલની સુવિધા આપવા ઉઠતી માંગ.

મોરબી:મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં પડતી હાલાકીને ધ્યાને લઈને સામાજિક અને રાજકીય અગ્રણીઓ દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. હર્ષદભાઈ કે. પ્રજાપતિની આગેવાનીમાં કરવામાં આવેલી આ રજૂઆતમાં તેમની સાથે ગીરધરભાઈ કે. અધારા અને દેવિકાબેન ભંખોડીયા પણ જોડાયા હતા અને લોકોની પાયાની જરૂરિયાતો સંતોષવા ભાર મૂક્યો હતો.

સાયન્સ કોલેજથી ભડીયાદ રોડ પર સ્ટ્રીટ લાઈટની માંગ.

અગ્રણીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, મોરબીની સાયન્સ કોલેજથી લઈને ભડીયાદ ગામ સુધીના માર્ગ પર હાલમાં સ્ટ્રીટ લાઈટની કોઈ સુવિધા નથી. આ વિસ્તારમાં રાત્રિના સમયે અંધકાર હોવાથી અકસ્માતનો ભય રહે છે. આ માર્ગ ભડીયાદ અને આસપાસના ગામોને જોડતો મુખ્ય રસ્તો હોવાથી અને નોકરી-ધંધા અર્થે આવતા લોકોની સતત અવરજવર રહેતી હોવાથી અહીં સત્વરે લાઈટો નાખવાની માંગ કરવામાં આવી છે.

મોરબીના પ્રજાકીય પ્રશ્નો મુદ્દે રજૂઆત સ્ટ્રીટ લાઈટ, ખરાબ રસ્તા અને કોમ્યુનિટી હોલની સુવિધા આપવા ઉઠતી માંગ.

વોર્ડ નં. ૪ માં રસ્તાનું કામ અને કોમ્યુનિટી હોલ બનાવવા રજૂઆત.

બીજી એક રજૂઆતમાં વોર્ડ નં. ૪ માં આવેલા તાલુકા શાળાથી જય અંબે ગરબી ચોક સુધીના અત્યંત બિસ્માર રસ્તાનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. રજૂઆતમાં જણાવાયું છે કે, આઝાદી કાળથી આ રસ્તાનું કામ બાકી છે અને ચોમાસામાં કાદવ-કીચડના કારણે વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે.

આ ઉપરાંત, વોર્ડ નં. ૪ ની વસ્તીને ધ્યાને રાખી સામાજિક પ્રસંગો માટે એક કોમ્યુનિટી હોલ બનાવવાની પણ માંગણી કરવામાં આવી છે. આ રજૂઆતની નકલ ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાને પણ પાઠવવામાં આવી છે, જેથી સ્થાનિક લોકોના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે.