વર્ષો જૂની શક્તિ ચોક ગરબી, મંગલ ભુવન ગરબી સહિતની પ્રાચીન ગરબીઓમાં મંડપ, લાઈટ ડેકોરેશન સહિતના શણગારને અપાતો આખરી ઓપ
માં આદ્યશક્તિની આરાધના અને ઉપાસનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવને હવે ત્રણ દિવસની જ વાર હોવાથી મોરબીમાં નવરાત્રીની તૈયારીઓના ધમધમાટ પુરજોશમાં ચાલી રહ્યો છે.વર્ષો જૂની શક્તિ ચોક ગરબી, મંગલ ભુવન ગરબી સહિતની શેરીએ ગલીએ, વિસ્તાર, મહોલ્લામાં જમાવટ કરતી મોટાભાગની પ્રાચીન ગરબીઓમાં મંડપ નાખવા અને લાઈટ ડેકોરેશન સહિતનો શણગાર કરવાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. નવરાત્રીને લઈને ચોકે-ચોકે સોળે શણગાર સર્જયો હોય દરેક જગ્યાએ પ્રાચીન ગરબીમાં રોશનીની સજાવટ સહિત અદભુત શણગાર કરાયો છે.
તા.3 ઓકટોબરથી શરૂ થનાર જગત જનની માં જંગદબાની ભક્તિ કરવાના સુવર્ણ અવસર સમાન નવરાત્રી મહોત્સવ શરૂ થઈ રહ્યો હોય આ વખતે બે વર્ષ બાદ અગાઉની જેમ મુક્તપણે દરેક જગ્યાએ પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવ યોજવાના હોવાથી દરેક જગ્યાએ વર્ષો જૂની યોજાતી પ્રાચીન ગરબીઓ માટે તાડામાર તૈયારીઓ થઈ રહી છે. જેમાં દરેક વિસ્તારમાં મંડપ નાખવા માતાજીને આભૂષણો સાથે શણગાર કરવો તેમજ રોશનીની સજાવટ કરવામાં આવી છે. જ્યારે વર્ષોથી આકર્ષણ જમાવતી શહેરના ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલ શક્તિ ચોક ગરબી અને મંગલ ભુવન ગરબીને અર્વાચીન રાસોત્સવને પણ ટક્કર મારે તેવો ભવ્યાતિભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. શક્તિ ચોક ગરબી અને મંગલ ભુવન ગરબીમાં ભવ્ય મંડપ, વિશાળ સ્ટેજ અને રોડ ઉપર અદભુત રીતે રોશનીની સજાવટ કરવામાં આવી છે. આ ગરબીને આધુનિક રંગ જરૂર સ્પર્શયો છે. પણ એકદમ પ્રાચીન ઢબે આજે પણ બાળાઓ રાસ ગરબે રમીને માતાની ભક્તિ કરે છે. જેમાં માડી તારા અઘોર નગારા જેવા પ્રાચીન રાસ હોય કે અંગારા રાસ માતાજીના રૂપમાં સાક્ષાત દીકરીઓ આ રાસ માં હજરા હજુર હોય છે ઈ રાસ રમતા ભારે જમાવટ કરે છે. આ પ્રાચીન રાસ જોવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે.