270 લીટર દેશી દારૂ, 2000 લીટર આથો જપ્ત
મોરબી : મોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા શ્રમિકોને દેશી દારૂ વેચાણ માટે જાણે હરીફાઈ જામી હોય તેવી સ્થિતિમાં અવારનવાર ચોટીલા તરફથી દેશી દારૂની મોટા પાયે હેરફેર ઝડપાઇ છે તેવામાં મોરબી તાલુકા પોલીસે નીચી માંડલ ગામની સીમમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવાની મીની ફેકટરી ઝડપી લીધી હતી. જો કે, દરોડા દરમિયાન બે આરોપીઓ નાસી ગયા હતા.
મોરબી તાલુકા પોલીસે નીચી માંડલ ગામની સીમમાં મોટા પાયે દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા આરોપી વાલજીભાઈ ઉર્ફે વાલીયો શામજીભાઈ ઝંઝવાડિયા રહે.ત્રાજપર અને ગૌતમ ઉર્ફે ગટ્ટો રહે.ઉંચી માંડલ વાળાની દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડતા બે બેરલ જોઈન્ટ કરી દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું.પોલીસે દરોડા સ્થળેથી 200 લીટર ગરમ આથો, 1800 લીટર ઠંડો આથો, 270 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 95,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા સમયે બન્ને આરોપીઓ નાસી જતા પોલીસે બન્નેને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.