Thursday - Apr 23, 2026

મોરબીની પૈસા તકરારમાં યુવાનની કાર લઈને મિત્ર ફરાર

મોરબીની પૈસા તકરારમાં યુવાનની કાર લઈને મિત્ર ફરાર

મિત્રની ગેરહાજરીમાં ઘરમાંથી ચાવી લઈ કાર લઈ જતા એક મહિના પહેલાની ચોરીની ઘટનાની હવે ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર રહેતા અને કાપડની ફેરી કરતા યુવાનની જાણ બહાર ઘેર આવી કારની ચાવી લઈ મિત્ર નાસી જતા એક મહિના પૂર્વે બનેલી ઘટનામાં કાર ચોરી થવા મામલે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. નવાઈની વાત તો એ છે કે, કાર ચોરી જનાર શખ્સ ફરિયાદીના મિત્રનો મિત્ર હોવાનું અને પૈસા બાબતે માથાકૂટ ચાલતી હોય કાર ચોરી ગયાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાધાપાર્કમાં શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા અને ગામડે ગામડે કાપડની ફેરી કરતા કરણભાઈ અનિલભાઈ બારડ ઉ.26 નામના યુવાને આરોપી કબીર મલાણી નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.28 ઓગસ્ટના રોજ આરોપી કબીર ફરિયાદીની ગેરહાજરીમાં ઘેર આવ્યો હતો અને તેમના માતાને કરણ ક્યાં છે તેમ પૂછી ફ્રીજ ઉપર પડેલી સ્વીફ્ટ કાર નંબર જીજે - 27 - ઇડી - 0004 કિંમત રૂપિયા 4.50 લાખની ચાવી લઈ કાર સાથે પલાયન થઈ ગયો હતો.વધુમાં કાર ચોરી કરી જનાર કબીર મલાણી ફરિયાદી કરણભાઈના મિત્ર ચિરાગનો મિત્ર હોવાનું અને બન્ને મિત્રો વચ્ચે પૈસા બાબતે તકરાર ચાલતી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. નવાઈની વાત તો એ છે કે, કાર ચોરી જનાર કબીર ક્યાં રહે છે એ પણ ફરિયાદી કરણભાઈને ખબર ન હોય હાલમાં પોલીસે આરોપી કબીરના મોબાઈલ નંબર અને નામનો આધારે ગુન્હો રજીસ્ટર કરી તપાસ શરૂ કરી છે.