રમવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનોએ પોલીસને જાણ કરી, CCTVના આધારે પોલીસે ગણતરીના સમયમાં જ ચારેય બાળકોને શોધી કાઢી સહીસલામત રીતે પરિવારને સોંપી દીધા
મોરબી : મોરબી શહેરના ઘુંટુ રોડ વિસ્તારમાંથી એકસાથે ચાર સગીર બાળકો ગુમ થતાં પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી. રમવા જવાનું કહી ઘરેથી નીકળેલા બાળકો પરત ન ફરતા પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ બાળકોનો પત્તો ન મળતા અંતે સીટી બી ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. બાળકો એકસાથે ગુમ થયાની ગંભીરતાને પગલે પોલીસે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી અને અલગ-અલગ ટીમો બનાવી CCTV ફૂટેજ સહિતના આધારે તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, ઘુંટુ રોડ પર ITI સામે પાણીના ટાંકા પાસે ઝૂંપડામાં રહેતા રમેશભાઈ મનીભાઈ સાંથળીયા (ઉ.વ.55) તા.25 ઓગસ્ટના રોજ સવારે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે પોલીસને જણાવ્યું હતું કે, તેમની બે સગીર દીકરીઓ અને એક સગીર દીકરો તેમજ બાજુમાં રહેતા સંગીતાબેનની એક સગીર દીકરી એમ કુલ ચાર બાળકો રમવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. જોકે, લાંબો સમય વીતી જવા છતાં ચારેય બાળકો પરત આવ્યા ન હતા.
ચારેય બાળકોની શોધખોળ માટે પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયાની આગેવાની હેઠળ લગધીર બીટ પોલીસ સ્ટાફ અને સર્વેલન્સ સ્ટાફની ત્રણ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસ ટીમોએ બાળકો ક્યાં ગયા તેની માહિતી મેળવવા માટે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ ચકાસવા સાથે અન્ય રીતે પણ તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન CCTV ફૂટેજમાં ચારેય બાળકો મહેન્દ્રનગર ચોકડી પાસેથી રિક્ષામાં બેસીને જૂના બસ સ્ટેન્ડ તરફ જતા હોવાનું જોવા મળ્યું હતું. પોલીસને મળેલી આ કડીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવતા ગણતરીના કલાકોમાં જ ચારેય બાળકો સહીસલામત મળી આવ્યા હતા. પોલીસે ચારેય બાળકોને તેમના પરિવારજનોને સોંપી દેતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
આ સમગ્ર કામગીરી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા (કચ્છ બોર્ડર રેન્જ), મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલ અને મોરબી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.એમ. આલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. સરવૈયા તથા લગધીર બીટ અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.