ગત રાત્રીના વેપારી સાથે ઝપાઝપી કરી રોકડ ભરેલો થેલો ઝૂંટવીને એક શખ્સ ફરાર થઇ ગયાના બનાવનો પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાખ્યો
મોરબી : મોરબીના શનાળા ગામ પાસે એક વેપારી પાસેથી ગતરાત્રે એક શખ્સે ઝપાઝપી કરી તેમની પાસેથી રૂ.3.5 લાખની રોકડ ભરેલો થેલો ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો. આ લૂંટના બનાવની ગભીરતાને ધ્યાને લઈને પોલીસે તાત્કાલિક ધોરણે તપાસના ઘોડા દોડાવી ટેક્નિકલ અને હ્યુમન સોર્સની મદદથી લૂંટના આ ગંભીર બનાવનો ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે તત્કાળ આરોપીને ઝડપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું.
મોરબીમાં શક્ત શનાળામાં લીમડા વાળા મેલડી માતાજીના મંદિર પાછળ શીવમ હાઇટસની બાજુમાં રહેતા ઘનશ્યામભાઈ થોભાણભાઈ સુરાણી (ઉ.વ. ૪૭) નામના વેપારી તેઓની મોરબીના નજરબાગ રેલ્વેસ્ટેશન પાસે દુકાનેથી રાત્રીના પોણા નવેક વાગ્યાના સમયે દુકાન બંધ કરીને પોતાનુ બાઇક લઇને ઘરે આવવા નીકળેલ હતા. ત્યારે ધંધા માટે રૂપિયાની જરૂરીયાત હોય મિત્ર હરીભાઈ કાવર પાસેથી જીઆઈડીસીના નાકેથી રૂ.4 લાખ લીધા હતા. જેમાંથી રૂ.30 હજાર લીમડાવાળા મેલડી માતાના મંદીર પાસે આવેલ બજરંગપાન વાળા કેતનભાઈને આપ્યા હતા. બીજા રૂ.20 હજાર ખિસ્સામાં રાખ્યા હતા. આ દરમિયાન એક શખ્સે પાછળથી આવી હાથમા રહેલો થેલો અચાનક બળજબરી પુર્વક ઝુટવતાં બંને વચ્ચે ઝપાઝપી થયેલ હતી. આરોપી તેમના ગામનો વિશાલ વેલજીભાઈ રબારી હોય અને તે હાથમાથી રૂ.3.50 લાખ રોકડ ભરેલો થેલો લઈને નાસી ગયો હતો. આથી તેઓએ તેમના જ ગામના વિશાલ વેલજીભાઈ રબારી નામના શખ્સ વિરુદ્ધ સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે થોડાં જ સમયમાં આરોપીને ઝડપી લીધો હતો. તેમજ આરોપીને ઘટના સ્થળે લઈ જઈ તેની પાસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવાયું હતું અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.