‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત એસપી સહિત પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ટીઆરબી જવાનોએ હેલ્મેટ સાથે શહેરમાં ફરી માર્ગ સલામતીનો સંદેશ આપ્યો
મોરબી : માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોના પાલન અંગે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત મોરબી પોલીસ વિભાગ દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી હતી. સામાકાંઠે શોભેશ્વર રોડ પર સોઓરડીના વિસ્તારના નાકે આવેલી એસપી કચેરીથી શરૂ થયેલી રેલી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સુધી પહોંચી હતી.
મોરબીના એસપી મુકેશ પટેલે માર્ગ સલામતી રેલીને પ્રસ્થાન કરાવ્યા બાદ રેલીમાં મોરબી ડીવાયએસપી જે.એમ. આલ, એ ડિવિઝન, બી ડિવિઝન અને એસઓજીના પીઆઈ-પીએસઆઈ સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ટીઆરબી જવાનો જોડાયા હતા. પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને ટીઆરબી જવાનોએ હેલ્મેટ પહેરી બાઈક ચલાવીને પોતે પણ માર્ગ સલામતીના નિયમોનું પાલન કર્યું હતું અને વાહનચાલકોને હેલ્મેટના ઉપયોગનો સંદેશ આપ્યો હતો.
મોરબી શહેર અને જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો રોજિંદા કામકાજ માટે બાઈકનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં માર્ગ અકસ્માતમાં ગંભીર ઇજાઓથી બચવા માટે બાઈકચાલક અને પાછળ બેસનાર બંનેએ હેલ્મેટ પહેરવું, વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ ન કરવો, ઝડપ મર્યાદાનું પાલન કરવું તથા ટ્રાફિક સિગ્નલ અને અન્ય નિયમોનું પાલન કરવું જરૂરી છે. રેલી દરમિયાન આ પ્રકારની માર્ગ સલામતી અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અકસ્માતથી બચવા ટ્રાફિકના નિયમોનું પાલન લોકોના હિતમાં જ છે
એસપી મુકેશ પટેલે જણાવ્યું હતું કે, લોકો ટ્રાફિકના નિયમોના પાલન માટે જાગૃત થાય અને ખાસ બેફિકરાઈથી વાહન ચલાવતા હોય એવા લોકો પોતાની તથા બીજીની જંદગી જોખમમાં ન મૂકે અને માર્ગ સલામતીને ગંભીરતા સમજે એવો લોકોને રેલી થકી મેસેજ આપ્યો છે. જો કે, આ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું એ લોકોના હિતમાં જ છે. ખાસ તો રોગ સાઈડમાં વાહન ચલાવતા હોય એવા લોકો સાથે સામેથી આવતા વાહન સાથે ટક્કર થાય તો એનો પરિવાર મુસીબતમાં મુકાય જાય. ઘણીવાર સિંગલ માર્ગ જ્યાં હજારો વાહનો નીકળતા હોય ત્યાં એકસાથે બે વાહન નીકળે એટલી રોડની જગ્યા હોય છતાં કેટલાક વાહન ચાલકો ત્રીજી લાઇન કરીને નાહકના ટ્રાફિકજામ તો ક્યારેક અકસ્માત પણ સર્જે છે. આથી તેમણે બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા ઉપરાંત આગળ જતા વાહનથી સલામત અંતર જાળવવા, ઓવરટેક કરતી વખતે સાવચેતી રાખવા, રોંગ સાઈડમાં વાહન ન ચલાવવા અને રાત્રિના સમયે વાહનની લાઈટ તથા અન્ય જરૂરી સલામતી સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા પર ભાર મુક્યો હતો.