Sunday - Jun 07, 2026

વાંકાનેરમાં ખનીજચોરો ઉપર પોલીસ અને ખાણ-ખનીજનો દરોડો, રૂ.1.10 કરોડનો મુદ્દામાલ કબ્જે

વાંકાનેરમાં ખનીજચોરો ઉપર પોલીસ અને ખાણ-ખનીજનો દરોડો, રૂ.1.10 કરોડનો મુદ્દામાલ કબ્જે

ગેરકાયદે ખનન અને વહન ઉપર સંયુક્ત કાર્યવાહીમાં1 હાઈડ્રોલિક એક્સકવેટર મશીન અને 3 ડમ્પર સીઝ કરાયા

મોરબી : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન કરતા ખનીજ માફિયાઓ સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઓળ ગામની સીમમાં લીઝ વગર માટીનું ગેરકાયદેસર ખનન કરતા 1 એક્સકવેટર મશીન અને ખનીજ વહન કરતા 3 ડમ્પર મળી કુલ રૂપિયા 1,10,00,000 (એક કરોડ દસ લાખ) નો મુદ્દામાલ કબ્જે કરી ખાણ ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે.

વાંકાનેર તાલુકા પોલીસની ટીમને તપાસ દરમિયાન ઓળ ગામની સીમ વિસ્તારમાં લીઝ વિના માટીનું ગેરકાયદેસર ખનન થતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે ઘટનાસ્થળે દરોડો પાડવામાં આવતા ખોદકામમાં ઉપયોગમાં લેવાતું SANY કંપનીનું હાઈડ્રોલિક ક્રોલર એક્સકવેટર મશીન મળી આવ્યું હતું. આ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા તેઓએ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મશીન કબ્જે કર્યું હતું. આ ઉપરાંત, વાંકાનેર તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા વાહનો પણ ઝડપી પાડ્યા હતા.