17 માર્ચ પહેલા બાકી વીજ બિલ નહિ ભરે તેવા બાકીદારોના વીજ જોડાણ કટ કરવાની તાકીદ
મોરબી : મોરબીમાં પીજીવીસીએલ દ્વારા થોડા સમય પહેલા બાકી વીજ બીલની કડક વસુલાત માટે મેગા ડિસકનેક્શન ડ્રાઈવ હાથ ધરીને બાકીદારો સામે કડક કાર્યવાહી કરી હતી. હજુ પણ ઘણા બાકીદારો વીજ બિલ ભરવામાં આળસુ હોવાથી ફરી PGVCLની ટિમો બાકી વીજ બિલની કડક વસુલાત માટે મેદાને આવી છે અને 17 માર્ચ પહેલા બાકી વીજ બિલ હોય એવા તમામ લોકોને વીજ બિલ ભરી દેવાની તાકીદ કરી છે. અન્યથા "અંધારા" માં રહેવાની ચેતવણી આપી છે. જેમાં આગામી તારીખ 17 માર્ચને મંગળવારના રોજ મોરબીમાં PGVCL દ્વારા મેગા ડિસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી પીજીવીસીએલે ફરીથી બાકી વીજ બીલની ઉઘરાણી માટે આકરી ઝુંબેશ હાથ ધરી છે. આથી જે લોકોએ વીજ બિલ ભરવામાં આળસ દાખવી છે. આવા લોકોએ આળસ ખંખેરી જો 17 માર્ચ પહેલા બાકી વીજ બિલ વીજ કચેરીએ કે ઓનલાઈન નહિ ભરે તો 17 માર્ચે પીજીવીસીએલની વિવિધ ટીમો બનાવીને ત્રાટકશે અને અલગ-અલગ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરી બાકી બિલ હશે તેવા લોકોના વીજ જોડાણ કટ કરવાની કાર્યવાહી કરવાની પીજીવીસીએલે તાકીદ કરી છે. પીજીવીસીએલની આ ડ્રાઈવ દરમિયાન સ્થળ પર કોઈ પણ પ્રકારનું પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહિ. જો કોઈ ગ્રાહકનું પાવર કનેક્શન કાપવામાં આવશે, તો ત્યારબાદ તેમને પૂરેપૂરું બાકી બિલ અને તેની સાથે રી-કનેક્શન ચાર્જ પણ ફરજિયાત ભરવો પડશે. જે ગ્રાહકોના બિલ બાકી છે તેઓને વહેલી તકે બિલ જમા કરાવી ડિસકનેક્શનની આ કડક કાર્યવાહી અને વધારાના ચાર્જથી બચવાનું પીજીવીસીએલે જણાવ્યું છે.