Tuesday - Apr 28, 2026

મોરબીમાં વાડી વિસ્તારોના 200થી વધુ પરિવારોને એક જ દિવસમાં વીજ કનેક્શન આપીને દિવાળીની ભેટ આપતું પીજીવીસીએલ

મોરબીમાં વાડી વિસ્તારોના 200થી વધુ પરિવારોને એક જ દિવસમાં વીજ કનેક્શન આપીને દિવાળીની ભેટ આપતું પીજીવીસીએલ

વાડી વિસ્તારના લોકોને વીજ કનેક્શન લેવામાં ઘણા સમયથી અનેક મુશ્કેલી પડતી હોવાથી પીજીવીસીએલે કેમ્પ ગોઠવી ધડાધડ કનેક્શનો આપી વર્ષો જૂનો પ્રશ્નનું નિરાકરણ કરતા વાળી વિસ્તારમાં દિવાળી પહેલા જ ખુશીનો અવસર

મોરબી : મોરબીના 50 જેટલા વિવિધ વાડી વિસ્તારોમાં રહેતા પરિવારોનો વીજ કનેક્શનનો વર્ષો જૂનો પ્રશ્ન હલ થતાં દિવાળી જેવો માહોલ છવાયો છે. ખેતીવાડીની જમીનમાં આવેલા મકાનોમાં 7/12 અને 8-અના ઉતારામાં એકસાથે અનેક નામ હોવાથી વ્યક્તિગત વીજ કનેક્શન મેળવવામાં અથવા અન્ય સહભાગીઓની મંજૂરી મેળવવામાં મુશ્કેલીઓ પડતી હતી. તેમ છતાં પીજીવીસીએલે વિશેષ કેમ્પ ગોઠવી એક જ દિવસમાં ધડાધડ 200 જેટલા વીજ કનેકશનો આપીને સરાહનીય કામગીરી કરી છે.

મોરબીમાં વાડી વિસ્તારોના 200થી વધુ પરિવારોને એક જ દિવસમાં વીજ કનેક્શન આપીને દિવાળીની ભેટ આપતું પીજીવીસીએલ

અગ્રણી ભાવેશ કંજારિયા સહિતનાએ વાડી વિસ્તારમાં વીજ કનેક્શન મેળવવામાં સર્જાતી સમસ્યા અંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીને રજૂઆત કરી હતી. જેને પગલે આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ લાવવા અને કનેક્શન આપવા માટે પીજીવીસીએલ દ્વારા સત્વરે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

વિકાસ સપ્તાહના ભાગરૂપે પીજીવીસીએલ (PGVCL) દ્વારા "ONE HOUR ONE DAY" કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સ્થળ પર જ વીજ જોડાણ આપવામાં આવ્યા હતા. જેમાં વાડી વિસ્તારમાંથી વીજ કનેક્શન માટે કુલ 313 જેટલી અરજીઓ આવી હતી. પીજીવીસીએલ દ્વારા સરાહનીય કામગીરી કરતા, એક જ દિવસમાં 254 જેટલી અરજીઓ મંજૂર કરી દેવામાં આવી હતી અને માત્ર અડધા દિવસમાં જ 200 જેટલા નવા કનેક્શનો નાખી દેવામાં આવ્યા હતા.

આ વિશે પીજીવીસીએલના એમડી કેતન જોશીએ જણાવ્યું હતું કે, "એકસાથે આટલા કનેક્શન નાખવામાં આવે એવી ઘટના જવ્વલે જ બનતી હોય છે." તેમણે ઉમેર્યું કે હવે વાડી વિસ્તારના આ લોકો પણ દિવાળી સારી રીતે ઉજવી શકશે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે અપૂરતા દસ્તાવેજોને કારણે કેટલાક અરજદારોના કામ બાકી રહ્યા છે, પરંતુ જો તેઓ વહેલી તકે ડોક્યુમેન્ટ્સ જમા કરાવશે તો દિવાળી પહેલા તેમના કામ પણ પૂરા કરવામાં આવશે.
 

મોરબીમાં વાડી વિસ્તારોના 200થી વધુ પરિવારોને એક જ દિવસમાં વીજ કનેક્શન આપીને દિવાળીની ભેટ આપતું પીજીવીસીએલ

આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના વીજ માળખા માટે એક મોટી યોજનાની જાહેરાત કરતા કહ્યું કે, 50 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી કરવામાં આવશે, જે માટેની ટેન્ડર પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. ધીમે ધીમે આખા શહેરમાં થાંભલા ન દેખાય તે માટે અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી હાથ ધરાશે. સતવારા સમાજના અગ્રણી અને શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંજારિયાએ જણાવ્યું હતું કે, વાડી વિસ્તારમાં ઘણા સમયથી આ કનેક્શનનો પ્રશ્ન હતો. તેનું નિરાકરણ આવતા લોકોને દિવાળી પહેલા જ દિવાળી આવી હોય તેવો આનંદનો માહોલ સર્જાયો છે.

આ કાર્યક્રમમાં પીજીવીસીએલના એમડી કેતન જોશી, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જેન્તીભાઈ કવાડિયા, શહેર ભાજપ પ્રમુખ રિષિત કૈલા, જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંજારીયા સહિતના અગ્રણીઓ અને પૂર્વ કાઉન્સિલરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સફળ કામગીરી બદલ ધારાસભ્ય અને પીજીવીસીએલના એમડી સહિતનાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.