મોરબીમાં લાલપર ખાતે પરણેલી ભરૂચની વતની પરિણીતાને મોરબીની સહજાનંદ ટ્રાવેલ્સના સંચાલક સાથે પ્રેમ થયા બાદ આગલા પતિને છૂટાછેડા આપી પ્રેમલગ્ન કરી લીધા બાદ પણ સુખી થઈ ન હતી અને બીજા લગ્નમાં પતિ અને સાસરિયાઓએ ચારિત્ર્ય ઉપર શંકા કરી ત્રાસ આપતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવ દીધો હોવાની પરિણીતાના ભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ભરૂચના નવી નગરી, કુકરવાડા ખાતે રહેતા કિરણભાઈ શશીકાંતભાઈ વસાવાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના બહેન રેખાબેનના વર્ષો પૂર્વે મોરબીના લાલપર ગામે લગ્ન થયા હતા અને લગ્ન બાદ તેઓ અવાર નવાર સહજાનંદ ટ્રાવેલ્સમાં નવસારી – ભરૂચ આવતા હોય ટ્રાવેલ્સ સંચાલક એવા આરોપી હસમુખ વાલજી પટેલ રહે.શક્ત શનાળા વાળા સાથે પ્રેમ સંબંધ બંધાતા દસેક મહિના પૂર્વે તેમના આગલા પતિને છૂટાછેડા આપી 16 વર્ષના પુત્ર રોહન સાથે હસમુખ વાલજી પટેલ સાથે કોર્ટ મેરેજ કરી રહેવા જતા રહ્યા હતા. કિરણભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રેખાબેનને પતિ આરોપી હસમુખ વાલજી પટેલ, જયદીપ પટેલ અને હસમુખ વાલજી પટેલના પરિવારના સભ્યો ચારિત્ર્ય ઉપર શંકા કરી ત્રાસ આપવાની સાથે માનસિક ટોર્ચર કરતા હોય મૃતક રેખાબેન અવાર નવાર કિરણભાઈને ફોન કરીને આ બાબતે જાણ કરી હતી અને છેલ્લે રક્ષાબંધન કરવા પણ આવવા દેતા ન હોવાનું જણાવી તા.18ના રોજ આઠ ફોન કરી છેલ્લે ત્રણ વીડિયો બનાવી પતિ હસમુખ અને જયદીપ પટેલ સહિતના સાસરિયા હેરાન કરતા હોય પોતે અંતિમ પગલું ભરી રહ્યા હોવાનું જણાવી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજતા આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા સીટી એ ડિવિઝન પોલીસે બીએનએસ કાયદાની કલમ 108, 85, 54 તેમજ અનુસૂચિત આદિજાતિ અત્યાચાર અટકાવવાના અધિનિયમ મુજબ સહજાનંદ ટ્રાવેલ્સના સંચાલક એવા હસમુખ પટેલ સહિતના વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.