Wednesday - Jun 10, 2026

મોરબીમાં પરશુરામ પોટરીએ સૌપ્રથમ વખત ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી

મોરબીમાં પરશુરામ પોટરીએ સૌપ્રથમ વખત ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી

મહારાષ્ટીયન પરશુંરામ ગણપુલે દાદાએ 1935માં ગણેશ મહોત્સવની શરૂઆત કર્યા બાદ 94 પછી ધીરેધીરે ગણેશ મહોત્સવનું મહત્વ વધ્યું, આજે પણ કોઈપણ ગણેશ મહોત્સવમાં પરશુરામ પોટરી જેવા ભવ્ય રંગારંગ કાર્યકમો યોજાતા નથી

(રવિ બરાસરા) મોરબી : મોરબીમાં હાલ ચારેકોર ગણેશ મહોત્સવની ધૂમ મચી છે. ત્યારે આજની યુવા પેઢીને કદાચ કલ્પના પણ નહીં તેમ 1994 પહેલા મોરબીમાં એકમાત્ર પરશુરામ પોટરી કંપની સિવાય બીજે ક્યાંય પણ ગણેશ મહોત્સવનું આયોજન થતું જ ન હતું. એટલે મોરબીમાં પ્રથમ વખત ગણેશ મહોત્સવ શરૂ કરવાનો શ્રેય પરશુરામ પોટરી વર્ક્સ કંપનીને જાય છે. આ પરશુરામ પોટરી કંપનીના પ્રણેતા મહારાષ્ટીયન પરશુંરામ ગણપુલે દાદાએ શહેરના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન સામે વિશાળ જગ્યામાં આ કંપનીનો 1928માં પાયો નાખ્યા બાદ 1935માં ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી. તે સમયે મહારાષ્ટ્રમાં ગણેશ મહોત્સવનું મહત્વ વધુ હોય અને તેમના ઇષ્ટદેવ હોવાથી સાર્વજનિક ગણેશ મહોત્સવ શરૂ કરી આ મહોત્સવનો લોકો લાભ લઈ શકે તે માટે વિશાળ મેદાન, કાર્યક્રમ માટેનું ભવ્ય સ્ટેજ, ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપનાનો અલાયદો પૂજા માટેનો રૂમ, ફિલ્મ પડદો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરી હતી. તેમના પછી બીજી, ત્રીજી પેઢીએ પણ આ પરંપરા જાળવી રાખી વર્ષોવર્ષ એવું ભવ્ય આયોજન કરાતું કે આજે પણ જૂની પેઢીના લોકો કહે છે કે, ભલે એ જમાનામાં મોબાઈલ, ઈન્ટરનેટ જેવી ટેકનોલોજી ન હતી. છતાં પણ સભ્ય સમાજ પરિવાર સાથે માણી શકે એવા રંગારંગ કાર્યક્રમો યોજાતા, જે આજના ભવ્ય લાઈટ ડેકોરેશન અને ઝાકમઝોળ સાથેના ગણેશ મહોત્સવમાં  યોજાતા નથી. અત્યારના કોઈપણ મોટા ગણાતા ગણેશ મહોત્સવમાં પણ વધીને આશરે 10 હજાર જેટલા લોકો દર્શન કરી શકે છે. પણ આ પરશુરામ પોટરીના ગણેશ મહોત્સવમાં તો આખું મોરબી શહેર ઉમટી પડતું તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો આવતા હોવાથી રોજ લાખોની મેદની ઉમટી પડતી. જો કે આજે પરશુરામ પોટરીનું અસ્તિત્વ રહ્યું નથી. એટલે આ કંપની 1994માં બંધ પડવાથી ગણેશ મહોત્સવનું પણ સમાપન થતા એની શહેરને પ્રેરણા મળી હોય એમ ધીરેધીરે શહેરમાં ગણેશ મહોત્સવનું મહત્વ વધતું ગયું અને આજે તો દરેક શેરી, ગલી અને વિસ્તારમાં ગણેશ મહોત્સવ યોજાઈ છે.


 

મોરબીમાં પરશુરામ પોટરીએ સૌપ્રથમ વખત ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી
મોરબીમાં પરશુરામ પોટરીએ સૌપ્રથમ વખત ગણેશ મહોત્સવની શરૂઆત કરી હતી

ફિલ્મો, નાટકો, લોકડાયરો, ભજન સહિતના કાર્યકમોની ભરમાર

ટાઇલ્સ, ઇટ બરણી, બાટલા સહિતની ઘણી બધી વસ્તુનું ઉત્પાદન કરતી આ કપની એટલી મોટી હતી કે એનો પોતાનો પ્રિંટીંગ પ્રેસ હતો. એમાં ગણેશ મહોત્સવના દસ દિવસના કાર્યકમોની યાદીની.પત્રિકા છપાતી હતી. તે વખતે થિયેટર સિવાય ક્યાંય ફિલ્મ જોવા મળતી ન હતી. પણ લોકો મનોરંજન સાથે સમાજમાં સારા સંદેશ જાય એવી બે ફિલ્મો તેમજ વચ્ચે દારૂબંધીની ડોક્યુમેન્ટરી થોયેટરની જેમ જ પડદો પાડી રીલ સાથે કંપનીના જ વિશાળ મેદાનમાં  દર્શાવતા, આ ઉપરાંત મુંબઈ તેમજ અમદાવાદ જેવા મોટા શહેરમાં ગુજરાતી રંગપંચના જાણીતા કલાકારો બોલાવી સારા નાટકો, પ્રાચીન ભજનો, શાહબુદ્દીન રાઠોડનો લોકડાયરો, હિન્દી ગુજરાતી ફિલ્મી અભિનેતાઓ સાથેની ધમાકેદાર મ્યુઝિકલ નાઈટ જોઈને એ સમયની મોરબીની આખી સમગ્ર જનતાને જલસો પડી જતો.

સ્લો સાયકલિંગ સ્પર્ધા ભૂતકાળ બની

પરશુરામ દાદાની ચોથી પેઢીના વારસદાર પ્રસાદભાઈ અચુતભાઈ ગણપુલે અને રોહિતભાઈ અશોકભાઈ ગણપુલેએ જણાવ્યું હતું કે, દસ દિવસના ગણેશોત્સવમાં રાત્રે રંગારંગ કાર્યકમો અને દિવસે શાળાના બાળકો તેમજ યુવાનો સહિત તમામ લોકો માટે લિબુ ચમચી, 100 મીટર દોડ, કોથડા દોડ સહિતની સ્પર્ધાઓ.યોજાતી તેમાંય સ્લો સાયકલિંગ સ્પર્ધા તો ભારે જમાવટ કરતી. આ સ્લો સાયકલ સ્પર્ધા એટલે સાયકલ માથે બેસી સાયકલને ચલાવવાની નહિ પણ બ્રેક મારી સતત ચોંટાડવી અને લીટી બહાર કે સાયકલના પેડલ નીચે પગ મૂકે એ આઉટ. જો કે જૂની રમતો હાલ જીવંત થાય છે. પણ સ્લો સાયકલ સ્પર્ધા તો સાવ ભુલાઈ ગઈ છે અને દંતકથા બની ગઈ છે.

મૂર્તિને 500, 600 ડીગ્રી તાપમાને પકવતા

કંપનીમા માટીની અનેક વસ્તુઓ બનાવવામાં આવતી એટલે માટીમાંથી જ ખાસ આર્ટિસ્ટ દ્વારા ગણપતિની એક ફૂટની જ મૂર્તિ બનાવીને આ મૂર્તિ 500, 600 ડીગ્રી તાપમાને પકવતા જેથી પૂજામાં કઈ થતું નથી. મૂર્તિ પકવેલી હોય એટલે નદીમાં વિસર્જન કર્યાના ત્રણ દિવસ બાદ ઓગળી જતી. જો કે હવે ભલે સાર્વજનિક ગણેશોત્સવ બંધ હોય પણ આ પરંપરા જાળવીને ઘરે ગણપતિ દાદાનું સ્થાપન કરી પૂજા  કરાઈ છે.